ઇમરાન ખાન ઓક્સફર્ડ યુનિવર્સિટીના ચાન્સેલર પદની ચૂંટણીમાં ઝંપલાવે તેવી સંભાવના

પ્રથમ વાર ઓનલાઇન યોજાનારી ચૂંટણીમાં બોરિસ જ્હોન્સન અને ટોની બ્લેર પણ મેદાનમાં

Tuesday 30th July 2024 12:05 EDT
 
 

લંડનઃ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન ઓક્સફર્ડ યુનિવર્સિટીના ચાન્સેલરપદ માટે અરજી કરવાની યોજના બનાવી રહ્યા છે. લોર્ડ પેટનના રાજીનામા બાદ આ પદ ખાલી પડ્યું છે. ઇમરાન ખાન 2023માં પાકિસ્તાની સેના વિરુદ્ધ દેખાવો અને હિંસાના આરોપસર હાલ જેલમાં છે.

સોશિયલ મીડિયા પર વાઇરલ બની રહેલા આ અહેવાલોનો જવાબ આપતા ઇમરાન ખાનના સહયોગી સૈયદ ઝેડ બુખારીએ જણાવ્યું હતું કે, હજુ આ અંગે કોઇ નિર્ણય લેવાયો નથી પરંતુ અમારી વાતચીત ચાલી રહી છે. આગામી દિવસોમાં અમે તે અંગે નિર્ણય લઇશું.

યુકેના અખબારી અહેવાલ પ્રમાણે ઓક્સફર્ડ યુનિવર્સિટીના ચાન્સેલરની ચૂંટણી પહેલીવાર ઓનલાઇન યોજાઇ રહી છે. આ પદ માટે યુનિવર્સિટીના સ્નાતકો મેદાનમાં ઉતરે છે અને તેમાં મુખ્યત્વે રાજકીય નેતાઓ જ હોય છે.

ઇમરાન ખાન 1972માં ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયા હતા. તેમણે કેબલ કોલેજ ખાતે ઇકોનોમિક્સ અને પોલિટિક્સનો અભ્યાસ કર્યો હતો. ઇમરાન ખાન યુનિવર્સિટીની ક્રિકેટ ટીમના કપ્તાન પણ રહી ચૂક્યા છે. 2005માં તેઓ બ્રાડફોર્ડ યુનિવર્સિટીના ચાન્સેલર બન્યા હતા. જો તેઓ ઓક્સફર્ડ યુનિવર્સિટીના ચાન્સેલર બનશે તો આ તેમના માટે પ્રથમ વખતની કામગીરી નહીં હોય.

ઇમરાન ખાનના નિકટના સાથીઓએ જણાવ્યું હતું કે, ઇમરાને ચૂંટણી લડવી જોઇએ તેવી પબ્લિક ડિમાન્ડ છે પરંતુ આ રેસમાં યુકેના પૂર્વ વડાપ્રધાનો બોરિસ જ્હોન્સન અને ટોની બ્લેર પણ સામેલ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter