લંડનઃ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને દિગ્ગજ ક્રિકેટર ઇમરાન ખાનના પૂર્વ પત્ની જેમીમા ગોલ્ડસ્મિથે 62 વર્ષીય ઓસ્ટ્રેલિયન ઉદ્યોગપતિ કેમેરોન ઓરાયલી સાથે પ્રભુતામાં પગલાં પાડ્યા છે. જેમીમા જાણીતા ફાઇનાન્સર સર જેમ્સ ગોલ્ડસ્મિથના પુત્રી અને કન્ઝર્વેટિવ સાંસદ ફ્રેન્ક ગોલ્ડસ્મિથના પૌત્રી છે. બીજી તરફ આઇરિશ-ઓસ્ટ્રેલિયન બિઝનેસમેન કેમેરોન ઓરાયલી મીડિયા ટાઇકૂન અને આઇરિશ રગ્બી સ્ટાર સર એન્થોની ઓરાયલીના પુત્ર છે. ઉલ્લેખનીય છે કે જેમીમાએ 1995માં ઇમરાન ખાન સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેમને બે પુત્રો, કાસિમ અને સુલેમાન છે. વર્ષ 2004માં બંનેના છૂટાછેડા થયા હતા.
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનના સમર્થનમાં બ્રિટનના પૂર્વ વડાપ્રધાન બોરિસ જોન્સને જણાવ્યું છે કે ઇમરાન ખાનની મુક્તિ માટે બ્રિટન તેના પ્રભાવનો ઉપયોગ કરે. હાલ તેઓ જેલની એક નાનકડી કોટડીમાં કેદ છે અને તેમને બહુ મર્યાદિત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. બ્રિટિશ અખબારમાં લખેલા લેખમાં જોન્સને ઇમરાન ખાન સામે ચાલી રહેલા કેસો અંગે પોતાનું મંતવ્ય રજૂ કરતાં જણાવ્યું હતું કે, ઇમરાન ખાન સામેના ઘણા કેસ રાજનીતિથી પ્રેરિત છે. આ કેસો ભ્રષ્ટાચારના કારણે નહીં પરંતુ પાકિસ્તાની સેનાના વિરોધના કારણે થોપી દેવાયા છે. ઇમરાન ખાનના રાજકીય નિર્ણયો પાકિસ્તાનની સેનાની વિરુદ્ધ હતા.


