લંડનઃ યુકેમાં ખાલિસ્તાન સમર્થકો દ્વારા હિન્દી ફિલ્મ ઇમર્જન્સીના થઇ રહેલા વિરોધની હેરો ઇસ્ટના સાંસદ બોબ બ્લેકમેને આકરી ટીકા કરી હતી. હેરોના વુઇ સિનેમા ખાતે રવિવારે રાત્રે માસ્ક પહેરેલા ખાલિસ્તાની તત્વોએ ફિલ્મનું પ્રદર્શન અટકાવવાની ફરજ પાડી હતી તે અંગે સંસદમાં રજૂઆત કરતા બ્લેકમેને તોફાનીઓને આતંકવાદી ગણાવ્યા હતા.
બોબ બ્લેકમેને હોમ સેક્રેટરી કૂપરને આ મામલામાં નિવેદન આપવા અને સેન્સર દ્વારા પ્રમાણિત ફિલ્મો જનતા શાંતિથી નિહાળી શકે તે સુનિશ્ચિત કરવા અપીલ કરી હતી. બીજીતરફ શીખ ફેડરેશન યુકેએ જણાવ્યું હતું કે, ફિલ્મનો શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા શીખોને ખાલિસ્તાની અને આતંકવાદી ગણાવીને બદનામ કરી હીન ચિતરવાનો પ્રયાસ બોબ બ્લેકમેન દ્વારા કરાયો છે. અમે આ અંગે પાર્લામેન્ટરી કમિશ્નર સમક્ષ રજૂઆત કરવાના છીએ.
એક સોશિયલ મીડિયા પોસ્ટમાં બ્લેકમેને જણાવ્યું હતું કે, મેં મારા મતદારો અને અન્યોની હેરાનગતિ માટેનો મુદ્દો ઉઠાવ્યો છે. ખાલિસ્તાન સમર્થકોએ સિનેમામાં ઇમર્જન્સી ફિલ્મના પ્રદર્શનને અટકાવ્યું હતું. વાણી સ્વતંત્રતાને દબાવવાનો પ્રયાસ કરનારાનો આપણે જોરદાર મુકાબલો કરવો જોઇએ.
તેમણે હાઉસ ઓફ કોમન્સમાં જણાવ્યું હતું કે, આ એક વિવાદાસ્પદ ફિલ્મ હોઇ શકે છે પરંતુ હું તેના પર ટિપ્પણી કરવા માગતો નથી. પરંતુ ફિલ્મ જોવાના જનતાના અધિકારનું રક્ષણ કરવા માગુ છું. કેટલાક લોકો આ ફિલ્મને શીખ વિરોધી ગણાવી રહ્યાં છે પરંતુ હું માનુ છું કે જનતાને ફિલ્મ જોઇ જાતે જ નક્કી કરવા દો.

