લંડનઃ અગ્રણી સર્જનમાંથી સાંસદ બનેલા ડો. ઝુબિર એહમદે ચેતવણી ઉચ્ચારી છે કે ઇમિગ્રન્ટ કર્મચારીઓ વિના એનએચએસ ધરાશાયી થઇ જશે. ઇમિગ્રન્ટ કર્મચારીઓ એનએચએસના ડીએનએમાં વણાઇ ગયાં છે. 1963માં પાકિસ્તાનથી સ્કોટલેન્ડ આવેલા ડો. એહમદે સૌપ્રથમ ટેક્સી ડ્રાઇવર તરીકે કામ કર્યું હતું. જુલાઇમાં તેઓ ગ્લાસગો સાઉથ વેસ્ટ બેઠક પરથી લેબર પાર્ટીના સાંસદ તરીકે ચૂંટાઇ આવ્યાં હતાં. તેઓ સંસદમાં રજાઓ મળે ત્યારે સર્જન તરીકેની તેમની કામગીરી પણ કરે છે.
ડો. એહમદે જણાવ્યું હતું કે, એ વાતમાં કોઇ શંકા નથી કે ઇમિગ્રન્ટ કર્મચારીઓ વિના એનએચએસનું અસ્તિત્વ ટકાવી રાખવું મુશ્કેલ છે. ઇમિગ્રન્ટ કર્મચારીઓ વિના એનએચએસનું અસ્તિત્વ જ જોખમમાં મૂકાઇ જશે.
ગયા ગુરુવારે રાત્રે 10 કલાકે મેં અને મારી ટીમે એક કિડની ટ્રાન્સપ્લાન્ટની સર્જરી કરી. મારી ટીમમાં મારા ઉપરાંત ભારતીય મૂળના એનેસ્થેટિસ્ટ અને બલ્ગેરિયન નર્સનો સમાવેશ થતો હતો. હવે તમે જ મને કહો કે ઇમિગ્રન્ટ કર્મચારીઓ વિના હું આ સર્જરી કેવી રીતે કરી શક્યો હોત. તેમની કુશળતાના લાભ આપણે દરરોજ મેળવી રહ્યાં છીએ. બ્રિટનમાં આવતા ઇમિગ્રન્ટ આપણા સમાજને સમૃદ્ધ બનાવી રહ્યાં છે અને જાહેર સેવાઓને કાર્યરત રાખવામાં મહત્વનું યોગદાન આપી રહ્યાં છે.
તેઓ રહે છે કે યુકેમાં ઇમિગ્રન્ટ શા માટે આવવા જોઇએ તે અંગેની ચર્ચામાં જોડાવાનો મને આનંદ છે. પરંતુ ઇમિગ્રન્ટ્સ સામેની હિંસાને યોગ્ય ઠેરવી શકાય નહીં.


