લંડન
દેશમાં હોમ ઓફિસ દ્વારા ગેરકાયદેસર રીતે અટકાયતમાં લેવાતા લોકોની સખ્યા વિક્રમજનક સપાટી પર પહોંચી છે અને આ અટકાયતોના વળતર તરીકે હોમ ઓફિસને એક જ વર્ષમાં 12.7 મિલિયન પાઉન્ડ જેવી તગડી રકમ ચૂકવવી પડી છે. હોમ ઓફિસ દ્વારા 572 લોકોને ઇમિગ્રેશનમાં ખોટી રીતે અટકાયતમાં લઇ બિનજરૂરી રીતે પરેશાન કરાયા હતા. હોમ ઓફિસ પર કરદાતાઓના નાણા ખોટી રીતે વેડફી નાખવાનો આરોપ મૂકાયો છે. 2021-22માં વળતર તરીકે ચૂકવાતી રકમ નવી ઊંચાઇ પર પહોંચી હતી. તેના અગાઉના વર્ષમાં 330 કેસમાં 9.3 મિલિયન પાઉન્ડ ચૂકવાયા હતા. હવે પ્રતિ કેસ સરેરાશ 22000 પાઉન્ડ પર પહોંચી છે. હોમ ઓફિસ દ્વારા આ રીતે અટકાયતમાં લેવાયેલા લોકો સામે કેસ લડવા તગડી કિંમત ચૂકવાઇ રહી છે. ગયા વર્ષે 2100 કેસમાં હોમ ઓફિસનો પરાજય થયો હતો પરંતુ આ કેસો લડવા માટે 28.4 મિલિયન પાઉન્ડની ચૂકવણી કરાઇ હતી.
શેડો ઇમિગ્રેશન મિનિસ્ટર સ્ટીફન કિન્નોકે જણાવ્યું હતું કે, કન્ઝર્વેટિવ સરકારની અણઆવડત અને પ્રીતિ પટેલ માટે બ્રિટિશ કરદાતાઓ મોટી કિંમત ચૂકવી રહ્યા છે. બસ બહુ થયું હવે આ બંધ થવું જોઇએ. બ્રિટનમાં રાજ્યાય માગનારા, વિદેશી અપરાધીઓ અને અન્ય ઇમિગ્રન્ટ્સને બીજી ફ્લાઇટ ન મળે ત્યાં સુધી ઇમિગ્રેશન અટકાયતમાં રખાય છે. જો યોગ્ય કારણ વિના તેમને લાંબો સમય અટકાયતમાં રખાય તો તેઓ હોમ ઓફિસ સામે દાવો માંડી શકે છે. હોમ ઓફિસની કામગીરી બતાવે છે કે મોટા ભાગના અટકાયતીઓને દેશનિકાલ કરવાને બદલે સરકારે દેશમાં જ મુક્ત કરી દીધાં હતાં. 2021-22માં અટકાયતમાં લેવાયેલા 25000 કરતાં વધુ ઇમિગ્રન્ટ્સ પૈકીના 75 ટકાને હોમ ઓફિસ દ્વારા મુક્ત કરી દેવાયાં હતાં જ્યારે 10 ટકાને અદાલતો દ્વારા મુક્ત કરાયા હતા. ફક્ત 14 ટકાને જ દેશનિકાલ કરાયા હતા.

