લંડનઃ જાણીતા લેખિકા અને યુકેના વડાપ્રધાન રિશી સુનાકના સાસુમાને બ્રિટન પ્રવાસ સમયે વિચિત્ર અનુભવ થયો હતો. સુધા મૂર્તિએ તેમના લંડનના સરનામા તરીકે 10 ડાઉનિંગ સ્ટ્રીટનો ઉલ્લેખ કર્યો હતો જેના કારણે ઇમિગ્રેશન અધિકારી તેમની સામે શંકાની નજરે જોવા લાગ્યો હતો.
તાજેતરમાં ભારતમાં લોકપ્રિય એવા કપિલ શર્મા શોમાં સુધા મૂર્તિએ જણાવ્યુ હતું કે મારા સાદા દેખાવને કારણે ઘણા એ માનવા તૈયાર હોતા નથી કે હું યુકેના વડાપ્રધાનની સાસુમા છું. એક વાર હું બ્રિટનના પ્રવાસે ગઇ ત્યારે ઇમિગ્રેશન અધિકારીએ મને પૂછ્યું કે તમે લંડનમાં ક્યાં રહેવાના છો. મારો પુત્ર પણ લંડનમાં જ રહે છે પરંતુ મને તેનું પુરું સરનામું યાદ નહોતું તેથી મેં અને મારી બહેને 10 ડાઉનિંગ સ્ટ્રીટનું સરનામુ આપવાનું નક્કી કર્યું. પરંતુ ઇમિગ્રેશન અધિકારી તે માનવા તૈયાર જ નહોતો. તેણે મને સવાલ કર્યો કે શું તમે મારી સાથે મજાક કરી રહ્યાં છો... મેં તેને જવાબ આપ્યો કે ના, હું સાચું જ કહું છું. તેને હજુ પણ એમ જ લાગતું હતું કે હું મજાક કરી રહી છું. કોઇ માનવા તૈયાર નહોતું કે 72 વર્ષની મહિલા યુકેના વડાપ્રધાનની સાસુ હોઇ શકે છે.


