લંડનઃ વેસ્ટ લંડનની હન્સલો કાઉન્સિલના લેબર કાઉન્સિલર હીના મીરને ઇમિગ્રેશન કાયદાનું ઉલ્લંઘન કરી એક ભારતીય વિદ્યાર્થિનીને ગેરકાયદેસર રીતે નેની તરીકે નોકરી પર રાખવા માટે 40,000 પાઉન્ડનો દંડ ફટકારવામાં આવ્યો છે. ક્વોલિફાઇડ સોલિસિટર એવા હીના મીકે 22 વર્ષીય હિમાંશી ગોંગલીને માસિક 1200 પાઉન્ડના વેતનથી નેની તરીકે કામ પર રાખી હતી. હિમાંશી પાસે યુકેમાં કાયદેસર કામ કરવાનો અધિકાર નથી.
સિટી ઓફ લંડન કાઉન્ટી કોર્ટમાં થયેલી સુનાવણીમાં જણાવવામાં આવ્યું હતું કે, પૂર્વ ડેપ્યુટી મેયર હીના મીર હિમાંશી પાસે સપ્તાહના 6 દિવસ 24 કલાક કામ કરાવતા હતા. હિમાંશી હીના મીરના બે સંતાનોની કાળજી લેતી હતી.
હીના મીરે કોર્ટમાં એવી ગલીલ કરી હતી કે હિમાંશી ઉર્ફે રિયા એક સોશિયલ વિઝિટર હતી અને તે વીડિયો ગેમ રમવા, ટેલિવિઝન જોવા અને સમય વીતાવવા અવારનવાર અમારા ઘરની મુલાકાત લેતી હતી. જોકે કોર્ટે હીના મીરની આ દલીલને સ્વીકારી નહોતી. મીરે 40,000 પાઉન્ડ દંડ પેટે અને 3620 પાઉન્ડ કોર્ટ ફી પેટે ચૂકવવા પડશે.


