ઇમિગ્રેશન ઘટાડવા 1,20,000 બ્રિટિશ યુવાઓને સ્કીલ ટ્રેનિંગ અપાશે

સ્ટાર્મર સરકાર દ્વારા 3 બિલિયન પાઉન્ડની એપ્રેન્ટિસ યોજનાની જાહેરાત

Tuesday 27th May 2025 15:06 EDT
 
 

લંડનઃ યુકેની સ્ટાર્મર સરકારે 3 બિલિયન પાઉન્ડની એપ્રેન્ટિસ યોજનાની જાહેરાત કરી છે જે અંતર્ગત 1,20,000 બ્રિટિશ વર્કર્સને કન્સ્ટ્રક્શન, એન્જિનિયરિંગ, સોશિયલ કેર જેવા મહત્વના સેક્ટરોમાં તાલીમ અપાશે. બ્રિટનમાં પ્રવર્તતી વર્કર્સની અછત નિવારવા અને વિદેશી વર્કર્સ પરનો આધાર ઘટાડવાના ભાગરૂપે આ યોજના શરૂ કરાઇ છે.

એજ્યુકેશન સેક્રેટરી બ્રિજિટ ફિલિપસને જણાવ્યું હતું કે, આ સંસદના કાર્યકાળ દરમિયાન 30,000 નવી એપ્રિન્ટિસશિપ શરૂ કરાશે. તેના માટે ભંડોળ એકઠું કરવા વિદેશી વર્કર્સ નિયુક્ત કરતા બિઝનેસો પર 32 ટકા ઇમિગ્રેશન સ્કીલ ચાર્જ લદાશે.

સરકારે જણાવ્યું છે કે હાલ ઇંગ્લેન્ડમાં 16થી 24ની વયજૂથના દર 8માંથી 1 યુવા એજ્યુકેશન, એમ્પ્લોયમેન્ટ કે ટ્રેનિંગમાં નથી. સરકાર જરૂરી સ્કીલ્સ સાથેના ઘરેલુ વર્કર્સ તૈયાર કરવા આ યોજના શરૂ કરી રહી છે જેથી ઉત્પાદકતા વધારી શકાય.

આ યોજનાના કારણે વધારાની 45000 તાલીમ તકોનું સર્જન થશે. ફિલિપસને જણાવ્યું હતું કે, અમે યુવાપેઢીને રોજગારની વધુ તકો આપીને આગામી પેઢીને સપોર્ટ કરી રહ્યાં છીએ. સશક્ત આર્થિક ભવિષ્ય માટે સ્કીલ્ડ વર્કફોર્સ અત્યંત આવશ્યક છે.

પોસ્ટ ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસશિપ ઘટાડવાની યોજના

સરકાર ઇંગ્લેન્ડમાં 21 વર્ષ કરતાં નાના યુવાઓને તાલીમબદ્ધ કરવા માગે છે આ માટે પોસ્ટ ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસશિપના ભંડોળમાં કાપ મૂકાશે. સરકારની યોજના અંતર્ગત 21 વર્ષ કરતા નાના વિદ્યાર્થીઓ જ લેવલ 7 એપ્રેન્ટિસશિપ માટે લાયક ગણાશે. તેનો અર્થ એ થયો કે હાયર એપ્રેન્ટિસશિપ માટે એમ્પ્લોયર્સે જ નાણા ચૂકવવા પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter