લંડનઃ ઇમિગ્રન્ટ્સ પર રખાતો વધુ પડતો આધાર ઘટાડવા માટે સર કેર સ્ટાર્મર બ્રિટનમાં વધુ કુશળ કામદારોને તાલીમ આપી તૈયાર કરવાની યોજના પર કામ કરી રહ્યાં છે. નવું સ્કીલ્સ ઇંગ્લેન્ડ ઓર્ગેનાઇઝેશન સરકારના સ્વતંત્ર માઇગ્રેશન સલાહકારો સાથે મળીને યુકેમાં કયા પ્રકારના કુશળ કામદારોની અછત છે તેની ઓળખ કરવાનું કામ કરશે.
માઇગ્રેશન એડવાઇઝરી કમિટી અને સ્કીલ્સ ચીફ કામદારોની અછત ઘટાડવા માટેની યોજનાઓ તૈયાર કરશે. વડાપ્રધાન સ્ટાર્મરે જણાવ્યું હતું કે, અમે બ્રિટનના ઉદ્યોગજગત અને કંપનીઓમાં કામ કરી શકે તેવા ઉચ્ચ કુશળતા ધરાવતા કામદારો તૈયાર કરવા માગીએ છીએ. અમે ફક્ત વિદેશી કુશળ કામદારો પર આધાર રાખવા માગતા નથી. અમે સમગ્ર વ્યવસ્થામાં બદલાવ કરવા જઇ રહ્યાં છીએ. અમે વધુ બ્રિટિશ કામદારોને તાલીમ આપવાની યોજના શરૂ કરી રહ્યાં છીએ.
તેમણે જણાવ્યું હતું કે, આપણા દેશના યુવાઓને ચોક્કસ તકો કે તાલીમ મળતી નથી તેથી તેઓ પાછા પડી રહ્યાં છે. તેના કારણે આપણું અર્થતંત્ર માઇગ્રેશન પર વધુ આધારિત બન્યું છે.


