ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટની સઘન ઝુંબેશ, બોગસ બાર્બર્સ, વેપ સ્ટોર્સ અને સ્વીટ શોપ્સ નિશાન પર

એક દાયકામાં વેપ શોપ્સની સંખ્યામાં 1,200% નો ચોંકાવનારો ઉછાળો

Tuesday 19th May 2026 12:40 EDT
 
 

લંડન: યુકેની હાઈસ્ટ્રીટ પર કાયદેસરના વ્યવસાયની આડમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને સંગઠિત ગુનાખોરી સામે ગૃહ મંત્રાલયે લાલ આંખ કરી છે. શંકાસ્પદ હેર ડ્રેસર, સ્વીટ શોપ્સ અને વેપ સ્ટોર્સને નિશાન બનાવીને શેડો ઈકોનોમી પર લગામ કસવા માટે ઈમિગ્રેશન એન્ફોર્સમેન્ટ ટીમોને વધારાના 1.5 મિલિયન પાઉન્ડની ફાળવણી કરવામાં આવી છે. આ ભંડોળનો ઉપયોગ શંકાસ્પદ દુકાનો પર અચાનક રૂબરૂ તપાસ માટે કરવામાં આવશે.

નવા નિયમો અનુસાર, જે વ્યવસાયો બ્રિટનમાં કામ કરવાનો કાયદેસરનો અધિકાર ન ધરાવતા કર્મચારીઓ રાખશે, તેમને પ્રત્યેક ગેરકાયદેસર કર્મચારી દીઠ 60,000 પાઉન્ડ સુધીનો ભારે દંડ ફટકારવામાં આવી શકે છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં યુકેમાં બાર્બર શોપ્સ, મિનીમાર્ટ્સ, કાર વોશ, નેઇલ બાર અને વેપ સ્ટોર્સની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો થયો છે. વર્ષ 2025ના એક અભ્યાસ મુજબ છેલ્લા એક દાયકામાં વેપ શોપ્સની સંખ્યામાં 1,200% નો ચોંકાવનારો ઉછાળો આવ્યો છે. સુરક્ષા એજન્સીઓને આશંકા છે કે આમાંના કેટલાક વ્યવસાયો ગુનાહિત પ્રવૃત્તિઓ છુપાવવા માટે માત્ર એક મહોરું છે.

હોમ ઓફિસના મતે બ્રિટનમાં ગેરકાયદેસર રોજગારીની ઉપલબ્ધતા જ ગેરકાયદેસર ઈમિગ્રેશનનું મુખ્ય ચાલકબળ છે. આ રોકવા માટે સરકારે જાહેરાત કરી છે કે, જે રાજ્યાશ્રયવાંચ્છુ ગેરકાયદેસર રીતે કામ કરતા પકડાશે, તેમને સરકાર તરફથી મળતા ભથ્થાં અને રહેઠાણની સુવિધા તાત્કાલિક અસરથી નાબૂદ કરવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter