લંડનઃ બ્રિસ્ટોલના સિટી કાઉન્સિલર અને બિઝનેસમેન અબ્દુલ મલિકે હોમ ઓફિસ દ્વારા નાના બિઝનેસો પર પડાતા ઇમિગ્રેશન દરોડા બંધ કરવાની માગ કરી છે. તેમણે આરોપ મૂક્યો છે કે ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને નોકરી આપવાના કારણો રજૂ કરી નાના બિઝનેસોને બલિનો બકરો બનાવવામાં આવી રહ્યાં છે. મલિકે જણાવ્યું હતું કે, મારા બિઝનેસો પર પણ દરોડા પડાયા છે. સમગ્ર સિસ્ટમ ભાંગી પડી છે કારણ કે દરોડામાં તપાસ દરમિયાન મોટાભાગના કર્મચારીઓ કામ કરવાનો અધિકાર ધરાવતા હતા. બ્યુરોક્રેસીમાં વિલંબના કારણે તેમના દસ્તાવેજો તેમની પાસે પહોંચ્યા નથી તે જ તેમનો વાંક હતો. મલિકે આરોપ મૂક્યો હતો કે દરોડાના કારણે ઘણા નાના બિઝનેસ મુશ્કેલીમાં મૂકાય છે અને કેટલાંક તો બંધ થવાના આરે છે.