ઇમિગ્રેશન નિયંત્રિત કરો નહીં તો બ્રિટન તેની ઓળખ ગુમાવી દેશેઃ સુએલા બ્રેવરમેન

રેકોર્ડ ઇમિગ્રન્ટ્સને પહોંચી વળવા આપણી પાસે મકાનો, ડોક્ટરો કે શાળાઓ નથીઃ પૂર્વ હોમ સેક્રેટરી

Tuesday 05th March 2024 11:14 EST
 
 

લંડનઃ પૂર્વ હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેને જણાવ્યું હતું કે, હાલના સ્તરે પ્રવર્તી રહેલા ઇમિગ્રેશન અને રાજ્યાશ્રયને પરવાનગી આપી શકાય નહીં. તેમણે ચેતવણી આપી હતી કે યુકેમાં બહારથી આવતા લોકોની સંખ્યા ઘટાડવામાં નહીં આવે તો દેશ ઓળખી ન શકાય તેવો બની જશે.

બ્રેવરમેને જણાવ્યું હતું કે, હાલના સ્તરે જે રીતે ઇમિગ્રન્ટ્સ આવી રહ્યાં છે તેમને પહોંચી વળવા માટે યુકે પાસે પુરતી સંખ્યામાં મકાનો, ડોક્ટરો કે શાળાઓ નથી. ઇમિગ્રેશન પર લગામ કસવા માટે આકરા નિર્ણયો લેવા જોઇએ.

તેમણે જણાવ્યું હતું કે, ગયા વર્ષે 14 લાખ લોકોને વિઝા જારી કરાયાં હતાં. રાજ્યાશ્રયની સંખ્યા પણ વિક્રમજનક સ્તરે પહોચી હતી. આશ્રિતો, કામદારો અને વિદ્યાર્થીઓને જારી કરાતા વિઝા રેકોર્ડ સ્તર પર પહોંચ્યા છે જેને ચલાવી શકાય નહીં. વડાપ્રધાને મેં અપનાવેલી નીતિને આગળ ધપાવી જોઇએ જેથી નેશનલ ડિઝાસ્ટર અટકાવી શકાય. આપણે ઇમિગ્રન્ટ્સની સંખ્યામાં મોટો કાપ મૂકવાની જરૂર છે. જો આ સ્થિતિ જારી રહેશે તો બ્રિટન તેની ઓળખ ગુમાવી દેશે. મેં અને બ્રિટિશ જનતાએ આવી સ્થિતિ માટે મતદાન કર્યું નહોતું.

હોમ ઓફિસ દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર 2023માં 1.4 મિલિયન વિઝા જારી કરાયા હતા અને 62,336 વિદેશીઓનો રાજ્યાશ્રય મંજૂર કરાયો હતો.

ઇમિગ્રેશન નિયંત્રણ બહાર પહોંચ્યું, ચલાવી શકાય નહીઃ નાઇજલ ફરાજ

નાઇજલ ફરાજે જણાવ્યું હતું કે, ઇમિગ્રેશન નિયંત્રણ બહાર જતું રહ્યું છે અને તેને ચલાવી શકાય નહીં. ટોરી સરકાર ઇમિગ્રેશન મુદ્દે જુઠ્ઠાણા ચલાવી રહી છે. ઇમિગ્રેશન પર નિયંત્રણ મેળવવામાં સદંતર નિષ્ફળ રહી છે. જો હોમ ઓફિસના આંકડામાં વર્ક અને હેલ્થ કેર વિઝા સામેલ કરાય તો ઇમિગ્રેશન નિયંત્રણ બહાર પહોંચ્યું છે. બ્રિટનમાં વસતી વિસ્ફોટ થઇ રહ્યો છે જેના કારણે લોકોના જીવન બદતર બની રહ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter