ઇમિગ્રેશન નિયમો સામે ભારતીયોમાં ઉગ્ર રોષ

સ્ટુડન્ટ્સ, હેલ્થકેર અને કેર વર્કર્સના આશ્રિતને બોલાવવા પર પ્રતિબંધ, ફેમિલી વિઝા માટે વધારાયેલી આવક મર્યાદા સહિતના નિયંત્રણો સામે ડાયસ્પોરામાં ભારે નારાજગી, ઇમિગ્રેશન બદલાવના કારણે પરિવારો વિભાજિત થઇ જશે, યુકેમાં પરિવારો ખુશહાલ બની શકે છે તેવી ધારણાનો અંત આવી જશેઃ ટીકાકારો

Tuesday 16th April 2024 12:28 EDT
 
 

લંડનઃ ફેમિલી વિઝા પર યુકેમાં પોતાના પરિવારજન કે આશ્રિતને લાવવા માટે સ્પોન્સર કરવા માટેની લઘુત્તમ આવક મર્યાદા બ્રિટિશ નાગરિકો અને ભારતીય મૂળ સહિતના રહેવાસીઓ માટે 11મી એપ્રિલથી 18,600 પાઉન્ડથી વધારીને 29,000 પાઉન્ડ કરી દેવાઇ છે. 2025 સુધીમાં આ આવક મર્યાદા બે તબક્કામાં 38,700 પાઉન્ડ પર પહોંચી જશે.

રિશી સુનાક સરકારે ઇમિગ્રેશન ઘટાડવાની યોજનાના ભાગરૂપે નવા વિઝા અને આવકના નિયંત્રણો અમલી બનાવી દીધાં છે. નવા નિયમોના કારણે ભારતીય પરિવારો પર એકબીજાથી વિખૂટાં રહેવાનું જોખમ સર્જાયું છે. નિયમોમાં બદલાવના ભાગરૂપે પોતાના પરિવારજન કે આશ્રિતને યુકેમાં બોલાવવા ઇચ્છતા ભારતીયની આવક 29,000 પાઉન્ડથી ઓછી હોવી જોઇએ નહીં. આગામી વર્ષથી આ આવક મર્યાદા 38,700 પાઉન્ડ થશે. તેનો અર્થ એ થયો કે વાર્ષિક 29000 પાઉન્ડથી ઓછી આવક ધરાવતો ભારતીય તેના પરિવારને કે આશ્રિતને ફેમિલી વિઝા માટે સ્પોન્સર કરી શકશે નહીં. ઓક્સફર્ડ યુનિવર્સિટીની માઇગ્રેશન ઓબ્ઝર્વેટરીના 2022ના આંકડા પ્રમાણે ભારતથી યુકેમાં આવેલા લગભગ 50 ટકાની વાર્ષિક આવક 39,000 પાઉન્ડ કરતાં ઓછી હતી. સરકાર દ્વારા અમલી બનાવાયેલા નવા નિયમોનો વિરોધ કરતાં એક્ટિવિસ્ટોએ જણાવ્યું હતું કે, સરકાર પરિવારોને સજા કરી રહી છે. યુકેમાં પરિવારો ખુશહાલ રહી શકે છે તેવી માન્યતાનો છેદ ઉડાડી રહી છે.

તે ઉપરાંત સરકાર દ્વારા કેર વર્કર્સ માટે પણ પોતાના પરિવારજનોને યુકેમાં લાવવા પર નિયંત્રણ લાદી દેવામાં આવ્યાં છે. યુકેમાં મોટી સંખ્યામાં ભારતીયો કેર વર્કર તરીકે કામ કરી રહ્યાં છે તેમના માટે હવે પોતાના આશ્રિતને યુકેમાં લાવવાનું મુશ્કેલ બની ગયું છે. સરકારે યુકેમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓના આશ્રિતોના યુકે આગમન પર પણ રોક લગાવી દીધી છે. પોસ્ટ ગ્રેજ્યુએટ રિસર્ચ સ્ટુડન્ટ્સ માટે પણ આશ્રિતોને લાવવા પર નિયંત્રણો લદાયાં છે.

ઇમિગ્રેશનના નવા નિયમોના કારણે બ્રિટનમાં વસતા ભારતીય સમુદાય અને ભારતીય વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે. ટીકાકારો કહે છે કે સરકાર દ્વારા કરાયેલા ઇમિગ્રેશન બદલાવના કારણે પરિવારો વિભાજિત થઇ જશે. યુકેમાં પરિવારો ખુશહાલ બની શકે છે તેવી ધારણાનો અંત આવી જશે.

નવા નિયમોના કારણે સૌથી વધુ નુકસાન ભારતીયોને જ જવાનું છે. વર્ક વિઝા, સ્કીલ્ડ વર્કર વિઝા, હેલ્થકેર વિઝા. સ્ટુડન્ટ વિઝા મેળવનારામાં સૌથી મોટો હિસ્સો ભારતીયોનો જ છે. આવી સ્થિતિમાં નવા નિયમોના કારણે સૌથી વધુ નુકસાન પણ ભારતીયોને જ જવાનું છે.

પોતાના વિદેશી જીવનસાથી યુકેમાં સ્થાયી થઇ શકે તે માટે ફેમિલી વિઝા માટેની નવી આવકમર્યાદા અમલી બની તે પહેલાં મોટી સંખ્યામાં બ્રિટિશરો દ્વારા અરજીઓ કરાઇ છે. જોકે અગ્રણી ઇમિગ્રેશન વકીલોએ જણાવ્યું છે કે આ બદલાવના કારણે પોતાના જીવનસાથી કે પરિવારજનને યુકેમાં લાવવા કે નહીં તે અંગે બ્રિટિશ નાગરિકો મૂંઝવણમાં છે. અમે અમારા ક્લાયન્ટને કહી રહ્યાં છીએ કે જો તમે આવક મર્યાદા કરતાં વધુ આવક ધરાવતા હો તો પણ તમારે અરજી કરી દેવી જોઇએ કારણ કે તમારા સંજોગો બદલાઇ શકે છે.

નિયમો પ્રમાણે અરજકર્તાએ નિશ્ચિત સમયગાળા માટે લઘુત્તમ નિયમોનું સતત પાલન થયું છે તે પૂરવાર કરવું પડશે. તેનો અર્થ એ થયો કે વિવિધ નિયમોને ધ્યાનમાં રાખીને તમે જીવનસાથી કે પરિવારજનને યુકેમાં લાવવા ક્યારેક યોગ્ય તો ક્યારેક અયોગ્ય ઠરી શકો છો.

વકીલોએ આવક મર્યાદામાં બદલાવ અને અન્ય વિઝા જરૂરીયાતોમાં હોમ ઓફિસ દ્વારા તાજેતરમાં કરાયેલા બદલાવના કારણે અનિશ્ચિતતા સર્જાવાની ચેતવણી ઉચ્ચારી છે. અમને ઘણા લોકો પૂછી રહ્યાં છે કે આ નિયમોના કારણે અમારા પરિવાર માટેના વિઝા પર તો અસર નહીં પડે ને..

નવા વિઝા નિયમો બ્રિટિશ કામદારોના હિતોનું રક્ષણ કરશેઃ ક્લેવરલી

હોમ સેક્રેટરી જેમ્સ ક્લેવરલીએ જણાવ્યું હતું કે, ફેમિલી વિઝા માટેના નવા નિયમો બ્રિટિશ કામદારોના હિતોનું રક્ષણ કરશે. માઇગ્રેશન રેકોર્ડ સપાટી પર પહોંચી ગયું છે. અમે પગલાં લેવાનું વચન આપ્યું હતું અને ઝડપથી તેનું પાલન કર્યું છે. અમે યુકેમાં પોતાના પરિવાજનોને લાવતા લોકો કરદાતાઓ પર બોજો ન બને તે સુનિશ્ચિત કર્યું છે. અમે ભાવિ માટેની ઇમિગ્રેશન સિસ્ટમ તૈયાર કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter