લંડનઃ યુકેમાં ઇમિગ્રેશન ઘટાડવા વડાપ્રધાન સ્ટાર્મર દ્વારા રજૂ કરાયેલી યોજનાનો સૌથી વધુ લાભ લૉયર્સને થશે. નિષ્ણાતોનું માનવું છે કે સરકારના પ્રસ્તાવ આગામી 4 વર્ષમાં પણ નેટ માઇગ્રેશન ઘટાડવાના લેબર સરકારના લક્ષ્યાંકને હાંસલ કરી શકશે નહીં પરંતુ તેના કારણે કાયદાની જટિલતામાં વધારો થશે. તેના પગલે અપીલો અને કાયદાકીય પડકારોમાં વધારો થશે.
તેમણે જણાવ્યું હતું કે, ગયા સપ્તાહમાં રજૂ કરાયેલા વ્હાઇટ પેપરના કારણે યુકેમાં મૂડીરોકાણ કરનારાઓને ખોટો સંદેશો જશે જેના કારણે અર્થતંત્રને નુકસાન થશે. વડાપ્રધાન સ્ટાર્મરે રિફોર્મ યુકેની સફળતાના જવાબમાં જ આ નીતિ અપનાવી છે.
મોટાભાગના વકીલોને ચિંતા સતાવી રહી છે કે યુકેમાં પરમેનેન્ટ રેસિડેન્સી માટેની મુદત પાંચ વર્ષથી વધારીને 10 વર્ષ કરાઇ છે. આ બદલાવ હાલ યુકેમાં વસવાટ કરી રહેલા ઇમિગ્રન્ટ્સને પણ લાગુ થશે. આ નિયમને કારણે સ્પોન્સરશિપ કોસ્ટ, વિઝા ફી, ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જમાં વધારો થશે જેના કારણે ઘણા નોકરીદાતાઓ માટે મુશ્કેલીમાં વધારો થશે. નોકરીદાતાઓ જ નહીં પરંતુ પબ્લિક સેક્ટર પર પણ મોટો બોજો પડશે.
વકીલોએ ચેતવણી આપી છે કે ડોક્ટરો અને નર્સ પાંચ વર્ષ બાદ સેટલમેન્ટ સ્ટેટસ માટે અરજી કરી શકશે પરંતુ તેના કારણે પણ સમસ્યાઓ સર્જાશે. લીગલ સિસ્ટમમાં અંધાધૂંધી સર્જાશે. અપીલો અને માનવ અધિકાર દાવાઓમાં વધારો થશે.