ઇમિગ્રેશન સિસ્ટમમાંથી 50,000 ગેરકાયદેસર માઇગ્રન્ટ્સ લાપતા

1200થી વધુ વિદેશી અપરાધીઓનો ડેટા પણ ગૂમ

Tuesday 30th June 2026 11:12 EDT
 

લંડનઃ બ્રિટનની ઇમિગ્રેશન સિસ્ટમમાંથી આશરે 1200 વિદેશી અપરાધી સહિત 50,000થી વધુ ગેરકાયદેસર માઇગ્રન્ટ્સ ગુમ થયા હોવાનું એક અહેવાલમાં સામે આવ્યું છે. અહેવાલ અનુસાર ડિસેમ્બર 2024 સુધીના આ સરકારી આંકડાઓની સમીક્ષા ઇન્ડિપેન્ડન્ટ ચીફ ઇન્સ્પેક્ટર ઓફ બોર્ડર્સ એન્ડ ઇમિગ્રેશન દ્વારા કરવામાં આવી છે જેમાં આ તમામ લોકોને સત્તાવાર રેકોર્ડ પર લાપતા જાહેર કરાયાં છે.

આ યાદીમાં રાજ્યાશ્રયની અરજી નકારી કઢાયા બાદ ગાયબ થયેલા માઇગ્રન્ટ્સ સામેલ છે. તે ઉપરાંત ઇમિગ્રેશન જામીન પર મુક્ત થયા બાદ ગુમ થયેલા લોકો અને જેલમાં સજા પૂરી કર્યા બાદ દેશનિકાલથી બચવા માટે સત્તાવાળાઓને થાપ આપી ભાગી છૂટેલા વિદેશી ગુનેગારોનો પણ સમાવેશ થાય છે.

નિયમો અનુસાર ઇમિગ્રેશન જામીન પર મુક્ત કરાયેલી કોઈપણ વ્યક્તિ માટે હોમ ઓફિસ સમક્ષ નિયમિતપણે હાજરી નોંધાવવી ફરજિયાત છે. આ નિયમનું ઉલ્લંઘન કરનારાઓને લાપતા જાહેર કરીને તેમની સામે ધરપકડ અને અટકાયત સહિતના કડક કાનૂની પગલાં લેવામાં આવે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર નબળી ડેટા મેનેજમેન્ટ સિસ્ટમ અને રાજ્યાશ્રયની અરજીઓના મોટા બેકલોગને કારણે આ અરાજકતા સર્જાઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter