લંડનઃ 3 મિલિયન પાઉન્ડનું ઇમિગ્રેશન સ્કેમ આચરનાર બ્રિટિશ એરવેઝનો કર્મચારી ભારત ફરાર થઇ ગયો છે. તે હિથ્રો એરપોર્ટ પર ચેક ઇન દરમિયાન પ્રવાસીઓને વિઝા દસ્તાવેજો વિના જ ફ્લાઇટમાં સવાર થવાની વ્યવસ્થા કરી આપતો હતો. તે એક પ્રવાસી દીઠ 25000 પાઉન્ડ વસૂલતો હોવાનો આરોપ છે. આ રીતે પ્રવાસ કરનારા મોટાભાગના લોકો ભારતીયો હતા. હિથ્રોના ટર્મિનલ 5 ખાતે ફરજ બજાવતો આ કર્મચારી 24 વર્ષનો છે અને ગયા મહિને કેનેડાના સત્તાવાળાની એલર્ટ બાદ તેની ધરપકડ કરાઇ હતી. વાનકુંવર અને ટોરોન્ટો ખાતે આવતા પ્રવાસીઓ ઉતરતાની સાથે જ રાજ્યાશ્રયની માગ કરતા હોવાનો મામલો સામે આવ્યા બાદ કેનેડાના સત્તાવાળાઓએ શંકા વ્યક્ત કરી હતી. જામીન મળ્યા બાદ તે ભારત ફરાર થઇ ગયો છે. તે ભારતમાં ઘણી સંપત્તિ ધરાવતો હોવાનું બહાર આવ્યું છે.

