ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જમાં 66 ટકા સુધીનો વધારો અમલમાં

6 ફેબ્રુઆરીથી ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જ 624 પાઉન્ડથી વધીને 1035 પાઉન્ડ કરાયો, 4 વ્યક્તિના પરિવારે હવે પ્રતિ વર્ષ 3500 પાઉન્ડ કરતાં વધુ ચૂકવવા પડશે

Tuesday 06th February 2024 10:47 EST
 
 

લંડનઃ 6 ફેબ્રુઆરીથી ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જમાં 66 ટકાનો વધારો અમલી બનતાં હજારો માઇગ્રન્ટ વર્કર્સ મુશ્કેલીમાં મૂકાઇ ગયાં છે. યુકેમાં 6 મહિનાથી વધુ સમયથી રહેતા મોટાભાગના માઇગ્રન્ટ વર્કર્સે હવે ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જ પેટે પ્રતિ વર્ષ 624 પાઉન્ડના સ્થાને 1035 પાઉન્ડ ચૂકવવા પડશે.

ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જમાં વધારાના પગલે 4 વ્યક્તિના પરિવારે તેઓ હેલ્થ સર્વિસ ટેક્સ ચૂકવતા હોવા છતાં હવે એનએચએસની સેવાઓ માટે પ્રતિ વર્ષ 3500 પાઉન્ડ કરતાં વધુ ચૂકવવા પડશે. ચેરિટીઓએ ચેતવણી આપી છે કે ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જમાં વધારો હજારો લોકોને ગરીબી અને આર્થિક કટોકટીમાં ધકેલી દેશે.

ગયા મહિને લીગલ માઇગ્રેશન મિનિસ્ટર ટોમ પર્સગ્લોવે એક લેખિત નિવેદનમાં જણાવ્યું હતુ કે, યુકેમાં ઇમિગ્રેશન પર આવતા લોકોએ એનએચએસ જેવી સેવાઓ માટે પુરતું આર્થિક યોગદાન આપવું જોઇએ. ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જમાં વધારો હેલ્થકેરમાં કરાતા ખર્ચમાં પ્રતિબિંબિત થશે. વડાપ્રધાન સુનાકે પણ આ વધારાને ઉચિત ગણાવ્યો છે.

જોકે આ વધારો થવાના કારણે ઇમિગ્રેશન પર આવેલા ઘણા પરિવારોને આર્થિક મુશ્કેલીમાં ધકેલી દેશે. તેઓ તેમના બિલ ચૂકવવાની પણ સ્થિતિમાં નહીં રહે. વિઝા ફી ન પરવડતાં ઘણા લોકો કાયદેસરનું ઇમિગ્રેશન સ્ટેટસ પણ ગુમાવી શકે છે. ઘણા લોકો દાયકાઓથી યુકેમાં રહે છે અને હવે તો તેમના પરિવારો પણ છે. વિઝા ફી ન પરવડવાના કારણે સ્ટેટસ ગુમાવનારા લોકો હેલ્થ કેરના લાભ પણ મેળવી શક્શે નહીં. ઘણા માઇગ્રન્ટ્સને તેમની સ્થિતિ ગંભીર ન બને ત્યાં સુધી સારવાર ન લેવાની નોબત પણ આવી શકે છે.

સરકાર દ્વારા ઇમિગ્રેશન સરચાર્જમાં કરાયેલા 66 ટકા સુધીના વધારા સામે પણ સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter