લંડનઃ ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર 2036 સુધીમાં ઇમિગ્રેશનના કારણે યુકેની વસતીમાં 6.1 મિલિયનનો વધારો થશે. હાલમાં યુકેની વસતી 67 મિલિયન છે જે 2036માં વધીને 74 મિલિયન પર પહોંચી જશે. બ્રિટનની વસતીમાં વધારા માટે મુખ્ય કારણ ઇમિગ્રેશન રહેશે. 2036 સુધીમાં યુકેમાં 6.1 મિલિયન ઇમિગ્રન્ટ્સ આવે તેવી સંભાવના છે. નેચરલ ગ્રોથ દ્વારા બ્રિટનની વસતીમાં 5,41,000 લોકો ઉમેરાશે.
ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના અંદાજ પ્રમાણે 2028 પછી દર વર્ષે યુકેમાં 3,15,000 માઇગ્રન્ટ્સ આવવાની સંભાવના છે. 2022માં ઓલ ટાઇમ હાઇ 7,45,000 માઇગ્રન્ટ્સ યુકેમાં આવ્યાં હતાં. 2023માં આ આંકડો ઘટીને 6,72,000 પર પહોંચ્યો હતો.
જોકે ઇમિગ્રેશન વિના બ્રિટનની વસતી ધાર્યા કરતાં ઝડપથી વૃદ્ધ થતી જશે. આગામી 15 વર્ષમાં યુકેમાં 85 વર્ષથી વધુ વયના લોકોની સંખ્યામાં 10 લાખ લોકોનો વધારો થશે. તેમની સંખ્યા 16 લાખથી વધીને 26 લાખ પર પહોંચી જશે. 2036 સુધીમાં 85 વર્ષથી વધુ વયના લોકોની સંખ્યા કુલ વસતીના 3.5 ટકા હશે.
ઓએનએસ દ્વારા જારી કરાયેલા આંકડા સરકાર, બિન સરકારી સંસ્થાઓ અને કંપનીઓ દ્વારા પ્લાનિંગ, ફિસ્કલ પ્રોજેક્શન, હેલ્થ, એજ્યુકેશન, પેન્શન વગેરેના આયોજનો માટે કરાય છે. બંને મુખ્ય રાજકીય પાર્ટીઓનું કહેવું છે કે વર્તમાન સમયનું ઇમિગ્રેશન સ્તર સ્વીકાર્ય નથી. લેબર પાર્ટી રિશી સુનાકના ઇમિગ્રેશન ઘટાડવાના પાંચ મુદ્દાના કાર્યક્રમને સમર્થન આપી રહી છે.


