લંડનઃ ઇમિગ્રેશનના કારણે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં છેલ્લા 75 વર્ષનો સૌથી મોટો વસતી વધારો જોવા મળ્યો છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના આંકડ઼ા અનુસાર મધ્ય 2022થી મધ્ય 2023માં ઇંગ્લેન્ડ અને વેલ્સની વસતી 6,10,000ના વધારા સાથે 60.9 મિલિયન પર પહોંચી હતી જે વસતીના રેકોર્ડ રાખવાની 1949માં શરૂઆત થઇ ત્યારબાદનો સૌથી મોટો વધારો છે. વસતીમાં વધારો નેટ માઇગ્રેશનના કારણે થયો છે. મધ્ય 2022થી મધ્ય 2023 વચ્ચે 6,22,000 ઇમિગ્રન્ટ્સ આવ્યા હતા.
ઇમિગ્રેશનના કારણે વસતીમાં વધારો વધુ નોંધનીય છે કારણ કે સ્થાનિક વસતીમાં જન્મદરમાં ઘટાડાના કારણે નજીવો વધારો નોંધાયો છે. જોકે ગયા સપ્તાહમાં જારી કરાયેલા અન્ય આંકડા અનુસાર ગયા વર્ષે નેટ માઇગ્રેશનમાં ઘટાડો કરવા સુનાક સરકાર દ્વારા લેવાયેલા આકરા પગલાંના કારણે યુકેમાં આવતા વિદેશી કામદારો, આશ્રિતો અને વિદ્યાર્થીઓની સંખ્યામાં 34 ટકાનો ઘટાડો થયો છે.
હોમ ઓફિસ દ્વારા જારી કરાયેલા આંકડા સંકેત આપે છે કે સરકાર નેટ માઇગ્રેશનમાં 3,00,000નો ઘટાડો કરવા માગે છે. ડિસેમ્બર 2023ના અંતે પૂરા થયેલા વર્ષમાં નેટ માઇગ્રેશન 6,85,000 રહ્યું હતું. તેના એક વર્ષ અગાઉ આ સંખ્યા 7,64,000 હતી.

