ઇમ્પિરિયલ કોલેજ લંડન દ્વારા ઇન્ડિયા કનેક્ટ ફંડનો પ્રારંભ

યુકે અને ભારતના વૈજ્ઞાનિકોને રિસર્ચ માટે આ ફંડમાંથી સહાય કરાશે

Tuesday 07th November 2023 12:59 EST
 
 

લંડનઃ વિશ્વની ટોપ 10 યુનિવર્સિટીમાં સામેલ ઇમ્પિરિયલ કોલેજ લંડને ભારત અને યુકેના વૈજ્ઞાનિકો વચ્ચે રિસર્ચને પ્રોત્સાહન આપવા માટે ઇન્ડિયા કનેક્ટ ફંડનો પ્રારંભ કર્યો છે. આ ફંડની મદદથી આરોગ્ય, પર્યાવરણ ક્ષેત્રે રહેલા વૈશ્વિક પડકારોનો સામનો કરવા રિસર્ચ પ્રોજેક્ટને સહાય કરાશે. ઇન્ડિયા કનેક્ટ ફંડ દ્વારા વિવિધ પ્રકારના રિસર્ચ, સ્મોલ સ્કેલ એક્સપરિમેન્ટ, પ્રોટોટાઇપ ડેવલપમેન્ટ, વર્કશોપ અને બંને દેશ વચ્ચે સ્ટુડન્ટ એક્સચેન્જને પ્રોત્સાહન અપાશે. દરેક પ્રોજેક્ટનું નેતૃત્વ ઇમ્પિરિયલ કોલેજના ઇન્વેસ્ટિગેટર કરશે અને તેમાં કોઇપણ એક ભારતીય સંસ્થાને ભાગીદાર બનાવાશે. ઇમ્પિરિયલ કોલેજ લંડનના પ્રોફેસર ઇયાન વામસ્લે દ્વારા ભારતમાં નવી દિલ્હી અને બેંગલુરૂ ખાતે આ નવા ફંડનો સત્તાવાર પ્રારંભ કરાશે.

પ્રોફેસર વામસ્લેએ રિસર્ચ અને ઇનોવેશનમાં યુકેના વૈજ્ઞાનિકો માટે ભારતની ભુમિકાના મહત્વ પર ભાર મૂક્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં ઇમ્પિરિયલ કોલેજના રિસર્ચરોએ 400 જેટલી ભારતીય યુનિવર્સિટીઓ અને રિસર્ચ સંસ્થાનો સાથે મળીને 1500 રિસર્ચ પેપર તૈયાર કર્યાં છે.

ઇમ્પિરિયલ કોલેજ ઘણા વર્ષોથી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ બેંગલુરૂ, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સિઝ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી બોમ્બે, આઇઆઇટી દિલ્હી, આઇઆઇટી ખડગપુર, ટાટા ઇન્સ્ટિટ્યુટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ જેવી સંસ્થાઓ સાથે ભાગીદારી કરી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter