લંડનઃ યુકેમાં ઈયુ રેફરન્ડમના પડઘમ જોરદાર વાગી રહ્યા છે ત્યારે વેસ્ટ યોર્કશાયરના લેબર પાર્ટીના ૪૧ વર્ષીય મહિલા સાંસદ અને રીમેઈન છાવણીના ચુસ્ત સમર્થક જો કોક્સની ગુરુવાર, ૧૬ જૂને કરાયેલી હત્યાથી દેશભરમાં અરેરાટી પ્રસરી ગઈ છે. બે બાળકોની માતા જો કોક્સ પોતાની સ્થાનિક ઓફિસે જઈ રહ્યાં હતાં ત્યારે બાવન વર્ષીય હુમલાખોર થોમસ ‘ટોમી’ માયરે તેમના પર હુમલો કર્યો હતો. હુમલાખોરે જો કોક્સને લાત મારીને પાડી દીધા હતા. તેમના પર ત્રણ વખત ગોળીબાર કર્યા પછી ચાકુના અનેક ઘા પણ માર્યા હતા. પોલીસે ટોમી માયરની ધરપકડ કરી પૂછપરછ ચાલુ કરી દીધી હતી. મિસિસ કોક્સની ગણના તેજસ્વી અને સૌથી લોકપ્રિય સાંસદોમાંના એક તરીકે થતી હતી.
વડા પ્રધાન ડેવિડ કેમરને શ્રદ્ધાંજલિ અર્પતા કહ્યું હતું કે આપણે મહાન તારલો ગુમાવ્યો છે. લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીને કહ્યું હતું કે,‘વેસ્ટમિન્સ્ટરમાં જો તેમના લેબર સાથીઓમાં જ નહિ, સમગ્ર પાર્લામેન્ટમાં સાર્વત્રિક લોકપ્રિયતા ધરાવતાં હતાં. પાર્લામેન્ટની બહાર સાથી સાંસદોએ જાગરણનું આયોજન કર્યું હતું, જ્યારે થેમ્સ હાઉસબોટ નિવાસસ્થાને મિત્રો અને પડોશીઓ દ્વારા જાગરણ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. જો કોક્સના માનમાં લીવ અને રીમેઈન છાવણીઓ દ્વારા પ્રચાર અભિયાન બંધ રખાયાં હતાં. પાર્લામેન્ટ અને બંકિગહામ પેલેસ સહિત જાહેર ઇમારતો પર પણ બ્રિટનનો ધ્વજ અડધી કાઠીએ લહેરાવાયો હતો. રેફરન્ડમ પૂર્વે સંસદમાં હાલમાં રીસેસ ચાલે છે, પરંતુ દિવંગત સભ્યને અંજલિ આપવા માટે સોમવારે સંસદને બોલાવવામાં આવી હતી.
જો કોક્સના પતિ બ્રેન્ડન કોક્સે લોકોને જો કોક્સની હત્યા માટે જવાબદાર ઘૃણાની સામે લડવા અનુરોધ કર્યો હતો. પાંચ અને ત્રણ વર્ષની વયના બે સંતાનોની માતાના મોત પછી તેમના પતિ બ્રેન્ડને જો કોક્સની તસ્વીર ટ્વીટ કરવા સાથે હૃદયસ્પર્શી સંદેશામાં કહ્યું હતું કે,‘અમારા જીવનમાં આ નવા અધ્યાયનો આરંભ છે. સૌથી મુશ્કેલ, વધુ પીડાદાયક, ઓછી ખુશી અને ઓછાં પ્રેમનો સમય. હું, જોના મિત્રો અને પરિવાર અમારી જિંદગી બાળકોના ઉછેર અને પ્રેમ કરવામાં અને જોની હત્યા કરનારી ઘૃણા સામે લડત આપવામાં વીતાવીશું.’
લેબર પાર્ટીના ઉભરતા સ્ટાર અને સમર્પિત સાંસદ જો કોક્સ બપોરના એક વાગ્યાના સુમારે ચાલીને લીડ્ઝ નજીકના બિર્સ્ટાલમાં ઓફિસે જઈ રહ્યાં હતાં ત્યારે આ કમનસીબ ઘટના ઘટી હતી. માયરે અચાનક આવી તેમને નીચે પાડી દીધા હતા અને એન્ટિક ગનથી ત્રણ વખત ગોળીબાર કર્યા હતા. આ પછી તેણે વેસ્ટ યોર્કશાયર લાઈબ્રેરીની બહાર માર્ગ પર અસહાય સ્થિતિમાં પડેલાં જો પર એક ફૂટ લંબાઈના હન્ટિંગ નાઈફથી સાત વખત ઘા માર્યા હતા. જીવલેણ ઈજાઓના કારણે તેમનું મોત નીપજ્યું હતું.
ગયા વર્ષે જ બેટલી અને સ્પેન વિસ્તારના પ્રતિનિધિ તરીકે ચૂંટાયેલાં મહિલા સાંસદની હત્યાએ સમગ્ર દેશમાં આઘાતના વમળો સર્જ્યાં છે. બધી તરફથી શ્રદ્ધાંજલિનો ધોધ વરસી રહ્યો છે. કેમ્બ્રીજ યુનિવર્સિટીની સ્નાતકે માનવતાવાદી અને નૈતિક પ્રચારમાં કામગીરીથી લોકોમાં સન્માન પ્રાપ્ત કર્યું હતું. ગત મેમાં સાંસદ બન્યાં અગાઉ તેઓએ ગોર્ડન બ્રાઉનના પત્ની સારાહ બ્રાઉન અને લેડી કિનોકના સલાહકાર તરીકે કાર્ય કર્યું હતું. જો કોક્સ હત્યા કરાયેલાં સૌપ્રથમ મહિલા સાંસદ છે અને ૧૯૯૦માં IRA બોમ્બવિસ્ફોટમાં કન્ઝર્વેટિવ ઈઆન ગોની હત્યા પછી માર્યા ગયેલાં સૌપ્રથમ સાંસદ છે.
ધમકી-ઘૃણાના સંખ્યાબંધ પત્રો મળ્યા હતા
એમ પણ કહેવાયું છે કે સાંસદ કોક્સને તેમની હત્યાના છેલ્લા ત્રણ મહિના અગાઉથી અસંખ્ય તિરસ્કારપૂર્ણ પત્રો મળતાં હતાં અને પોલીસ તેમની સુરક્ષા વધારવાનું પણ આયોજન કરી રહી હતી. પત્રોનો જથ્થો અને આવવાનું પ્રમાણ વધી ગયું ત્યાં સુધી તો જો કોક્સે આ સંદેશાઓ પર ખાસ ધ્યાન આપ્યું ન હતું. આ બાબતે એક વ્યક્તિને ચેતવણી પણ અપાઈ હતી. જોકે પોલીસે જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલો માયર તે વ્યક્તિ નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે મળેલા પત્રો અને હુમલા વચ્ચે કોઈ સંબંધ જણાતો નથી, પરંતુ છેલ્લે સુધી સાસંદની સીક્યુરિટી અપગ્રેડ કરાઈ ન હતી.
હત્યારો નિયો નાઝી જૂથનો હોવાની શંકા
હત્યા પાછળ જો કોક્સનું રાજકીય પ્રચાર અભિયાન કારણભૂત હોઈ શકે તેવા ભય વચ્ચે ડિટેક્ટિવોએ એકલવાયા થોમસ માયરની પૂછપરછ કરી હતી. શનિવારે માયરને કોર્ટમાં તેનું નામ પૂછાયું ત્યારે તેણે ‘દગાબાજોનું મોત, બ્રિટન માટે આઝાદી’ નો જવાબ આપ્યો હતો. જો કોક્સની હત્યા કરનારો આરોપી અમેરિકાના નિયો નાઝી જૂથ સાથે સંકળાયેલો હોવાનું પણ બહાર આવ્યું છે. વર્ષ ૨૦૧૦માં તેના વિશે આવેલા અખબારી અહેવાલ મુજબ તે માનસિક રીતે બીમાર પણ હતો. માયરે હુમલો કર્યા પછી ‘બ્રિટન ફર્સ્ટ’ એવા શબ્દો ઉચ્ચાર્યા હોવાનું કહેવાય છે. ‘બ્રિટન ફર્સ્ટ’ યુકેની અતિ જમણેરી વિચારધારાની પાર્ટી છે.


