ઇયુ સાથે ઐતિહાસિક ‘બ્રેક્ઝિટ રિસેટ’ ડીલ

યુથ મોબિલિટી સ્કીમ, EU કાર્બન માર્કેટ તેમજ પશુ અને વનસ્પતિના ધોરણો અંગે સમજૂતી સધાઈ

Tuesday 24th November 2026 09:21 EST
 
 

લંડનઃ વડાપ્રધાન એન્ડી બર્નહામે યુરોપિયન યુનિયન સાથે એક ઐતિહાસિક ‘રિસેટ’ ડીલ પર હસ્તાક્ષર કર્યા છે, જે બ્રિટનને ફરી એકવાર બ્રસેલ્સની વધુ નજીક લાવશે. ડાઉનિંગ સ્ટ્રીટ દ્વારા શુક્રવારે સવારે  જાહેરાત કરવામાં આવી હતી કે બ્રિટન અને યુરોપિયન સંઘ વચ્ચે યુથ મોબિલિટી સ્કીમ, EU કાર્બન માર્કેટ તેમજ પશુ અને વનસ્પતિના ધોરણો અંગે સમજૂતી સધાઈ છે.

આ કરારની શરતો મુજબ, ખાદ્યપદાર્થો અને પીણાંના ઘણા નિયમોના મામલે બ્રિટન હવે 'રૂલ-ટેકર' દેશ બની જશે. બીજી તરફ, એવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઊર્જા સંબંધિત આ કરારથી બ્રિટિશ પરિવારોના વીજળી-ઊર્જાના બિલમાં વધારો થઈ શકે છે.

યુરોપિયન દેશોમાં બર્નહામ માટે પીછેહઠ સમાન ગણાતી બાબત એ રહી કે તેઓ યુનિવર્સિટી ટ્યુશન ફી પર કોઈ સમજૂતી સાધી શક્યા નથી, તેમજ બ્રસેલ્સના વિવાદાસ્પદ સંરક્ષણવાદી વેપાર કાયદાઓમાંથી બ્રિટનને મુક્તિ અપાવવામાં પણ નિષ્ફળ રહ્યા છે.

10 ડાઉનિંગ સ્ટ્રીટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, કરાર પૂર્ણ થઈ ગયો છે અને વાટાઘાટો સમાપ્ત થઈ છે. હવે બંને પક્ષો યુથ મોબિલિટી સ્કીમ, SPS ડીલ અને એમિશન ટ્રેડિંગ સ્કીમના અમલીકરણની દિશામાં કામ કરશે. આ કરારો ક્યારથી અમલમાં આવશે તે અંગે બંને પક્ષો સહમત થયા છે, જેની તારીખો ટૂંક સમયમાં જાહેર થનારા સંયુક્ત નિવેદનમાં દર્શાવવામાં આવશે.આંતરરાષ્ટ્રીય કરારો મુજબ હવે બંને પક્ષે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને કેટલાક મુદ્દાઓ પર વાતચીત ચાલુ રહેશે.

ઘણા લોકો માને છે કે કાશ આપણે ઇયુ સાથે છેડો ફાડ્યો ન હોતઃ આનંદ મેનન

બદલાતા યુરોપમાં યુકે ઇવેન્ટમાં યુકે-ઇયુ સમિટ પર ચર્ચા કરાઇ હતી. વડાપ્રધાન બર્નહામ ઇયુમાં સામેલ થવા માટે શા માટે ખચકાઇ રહ્યાં છે તે અંગે ચેન્જિંગ યુરોપના યુકે સ્થિત ડિરેક્ટર આનંદ મેનને જણાવ્યું હતું કે, મને લાગે છે કે ઘણા લોકો એમ માને છે કે બ્રેક્ઝિટ એક ખોટો નિર્ણય હતો અથવા તો તે ઇયુમાં સામેલ થવા ફરી મત આપવા ઇચ્છે છે. તેઓ ખરેખર તો એમ કહી રહ્યાં છે કે કાશ આપણે ઇયુ સાથે છેડો ફાડ્યો ન હોત. સ્પષ્ટ છે કે સામાન્ય જનતાનો અફસોસ સક્રિય જનસમર્થનમાં પરિવર્તિત થતો નથી. ઇયુમાં સામેલ થવાની પ્રક્રિયા યુકે દ્વારા દરેક માગ સામે ઝૂકવાની પ્રક્રિયા બની રહેશે તેમ છતાં આ પ્રક્રિયા શક્ય એટલી ઝડપથી પૂર્ણ થાય તેમાં આપણું હિત સમાયેલું છે. યુકે ઇન અ ચેન્જિંગ યુરોપના સીનિયર રિસર્ચ ફેલો જોએલ રિલેન્ડે જણાવ્યું હતું કે, આ સમિટમાં સહમતિ છતાં અસહમતિ જ હતી. હજુ પણ અનિશ્ચિતતાઓ યથાવત છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter