લંડનઃ મધ્યપૂર્વ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને પગલે ફુગાવો વધવા અને બેન્ક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા વ્યાજદરમાં ઘટાડો નહીં કરાય તેવી શંકાના પગલે યુકેના ધિરાણકર્તાઓએ મોર્ગેજ દરો વધારવાનું શરૂ કરી દીધું છે. નેશનવાઈડે તેના કેટલાક મોર્ગેજ પર 0.25% સુધીનો વધારો કર્યો છે, જ્યારે HSBC UK અને કોવેન્ટ્રી બિલ્ડીંગ સોસાયટીએ પણ કહ્યું છે કે તેઓ દરમાં વધારો કરશે.
એલએન્ડસી મોર્ગેજના એસોસિયેટ ડિરેક્ટર ડેવિડ હોલિંગવર્થે જણાવ્યું હતું કે, મોર્ટગેજ ખર્ચમાં વધારો થવાની અપેક્ષા નથી પરંતુ નવા ફિક્સ્ડ-રેટ મોર્ગેજ માટે વિચાર કરી રહેલા લોકોએ વહેલી તકે મોર્ગેજ સુરક્ષિત કરવાનો પ્રયાસ કરવો જોઈએ.
નેશનવાઈડે જણાવ્યું હતું કે તેના બે, ત્રણ, પાંચ અને 10-વર્ષના ફિક્સ્ડ રેટ મોર્ગેજના દરમાં ફેરફાર શુક્રવારથી તમામ નવી મોર્ગેજ અરજીઓ પર લાગુ થશે. નેશનવાઇડના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ધિરાણકર્તા હંમેશા તેમના મોર્ગેજ દરની સમીક્ષા કરતા રહે છે. તાજેતરની વૈશ્વિક ઘટનાઓના પરિણામે સ્વેપ દરોમાં નોંધપાત્ર વધારો થતાં અમારે અમારા મોર્ગેજ દરોમાં વધારો કરવાની ફરજ પડી છે.
HSBC એ પણ નવા ગ્રાહકો માટે મોર્ગેજ દરમાં 0.10% અને 0.25% ની વચ્ચે વધારો કર્યો છે જ્યારે હાલના ગ્રાહકો માટે 0.04% અને 0.13% ની વચ્ચે વધારો કર્યો છે. કોવેન્ટ્રી બિલ્ડીંગ સોસાયટી સોમવારથી તેના મોર્ગેજ દરમાં વધારો કરવાની તૈયારી કરી રહી છે.
નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે જો મધ્ય પૂર્વ સંઘર્ષને કારણે તેલ અને ગેસના ભાવ ઊંચા રહેશે, તો યુકેમાં માલસામાનની કિંમતમાં વધુ વધારો થઈ શકે છે, જેના કારણે બેંક ઓફ ઈંગ્લેન્ડના રેટ કટ ધીમા પડશે.


