લંડનઃ ઇરાન યુદ્ધના કારણે બ્રિટનમાં આગામી થોડા સપ્તાહમાં દવાઓની અછત સર્જાવાનો ભય સેવાઇ રહ્યો છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ઇરાન યુદ્ધ લંબાશે તો પેઇનકીલર્સથી માંડીને કેન્સરની સારવાર માટેની દવાઓની અછત સર્જાશે અને દવાઓની કિંમતો પણ વધી જશે. ઇરાન યુદ્ધના કારણે ક્રુડ ઓઇલ, ગેસ, ખાતર અને હિલિયમ જેવા મહત્વાના રો મટિરિયલના પૂરવઠાને અસરગ્રસ્ત કર્યો છે અને હવે દવાઓ પર પણ સંકટ સર્જાય તેવી સંભાવના છે.
મૂડીઝના ડિરેક્ટર ડેવિડ વીક્સે જણાવ્યું છે કે આ ગંભીર કટોકટી છે. ઇરાન યુદ્ધના કારણે હોર્મુઝની ખાડી નૂર પરિવહન માટે બંધ થઇ ગઇ છે. ભારત વિશ્વની ફાર્મસી છે અને ભારત જનરિક દવાઓ અને એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇનગ્રેડિયન્ટ્સનું મોટાપાયે ઉત્પાદન અને નિકાસ કરતો દેશ છે. ઇરાન યુદ્ધના કારણે આ નિકાસો અવરોધાઇ રહી છે.
મીડલ ઇસ્ટમાં એરપોર્ટો બંધ થવાના કારણે ફાર્માસ્યુટિકલ કંપનીઓને તેમના શિપમેન્ટ અલગ રસ્તે મોકલવાની ફરજ પડી રહી છે. કેટલોક જથ્થો દરિયાઇ માર્ગે પણ રવાના કરવામાં આવી રહ્યો છે પરંતુ તેના કારણે મોટો વિલંબ સર્જાઇ રહ્યો છે. મોટાભાગની દવાઓનું પરિવહન હોર્મુઝની ખાડી દ્વારા થતું હોય છે.
મેડિસિન્સ યુકેના સીઇઓ માર્ક સેમ્યુલ્સે જણાવ્યું છે કે હાલ આપણે કટોકટીનો સામનો કરી રહ્યાં નથી પરંતુ યુદ્ધ લંબાશે તો આગામી થોડા સપ્તાહોમાં જ દવાઓની અછત સર્જાઇ શકે છે. મેડિકલ ડિસ્ટ્રિબ્યુટર્સ સામાન્ય રીતે 6થી 8 સપ્તાહનો સ્ટોક રાખતાં હોય છે.
યુકેમાં 25 ટકા દવાઓનું ઉત્પાદન ઘરઆંગણે થાય છે જ્યારે 33 ટકા દવાઓની આયાત ભારત અને બાકીની દવાઓની આયાત યુરોપમાંથી કરાય છે.
યુદ્ધની અસરઃ લોકોએ ખર્ચ ઘટાડ્યો, વાહનોની ટાંકીઓ ફૂલ કરાવવા લાગ્યા
ઇરાન યુદ્ધના કારણે સંભવિત અછત અને ભાવવધારાથી ભયભીત લોકોએ ખર્ચમાં કાપ મૂકવાનું શરૂ કરી દીધું છે. ઇંધણની અછત સર્જાય તેવી ભીતિના કારણે વાહનોની ટાંકીઓ પણ ફૂલ કરાવી રહ્યાં છે. એક સરવેમાં 50 ટકા લોકોએ જણાવ્યુ હતું કે, અમે અમારા ખર્ચ ઘટાડી રહ્યાં છીએ. ઇંધણના પૂરવઠા અને મોંઘવારીને ધ્યાનમાં રાખીને લોકો પોતાના નિર્ણયો બદલવા લાગ્યા છે. વીજળીનો વપરાશ ઘટાડી રહ્યાં છે અને વેકેશનમાં કાપ મૂકવાની યોજના બનાવી રહ્યાં છે.


