ઇરાન યુદ્ધઃ યુકેમાં કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસ ઘેરી બનવાના એંધાણ

પેટ્રોલ અને ડીઝલની કિંમતો છેલ્લા 4 વર્ષની ટોચે, 2 પાઉન્ડ પ્રતિ લિટર પર પહોંચવાની ચેતવણી, બિનજરૂરી પ્રવાસ ટાળવા સલાહ

Tuesday 10th March 2026 11:56 EDT
 
 

લંડનઃ ઇઝરાયેલ અને અમેરિકા દ્વારા ઇરાન પર કરાયેલા આક્રમણની અસરો હવે સમગ્ર વિશ્વ પર વર્તાવા લાગી છે અને તેમાંથી યુકે પણ બાકાત નથી. આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડ ઓઇલના ભાવ 100 ડોલર પ્રતિ બેરલને પાર કરી જતાં યુકેમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 159.93 પેન્સ અને ડીઝલની કિંમત 171.23 પેન્સ પ્રતિ લિટર પર પહોંચી ગઇ હતી. સરકારે વાહનચાલકોને ચેતવણી આપી છે કે ઇંધણની કિંમત ટૂંકસમયમાં પ્રતિ લિટર 2 પાઉન્ડ પર પહોંચી શકે છે. એએ અને આરએસીએ વાહનચાલકોને બિનજરૂરી પ્રવાસ ન કરવા અને ઇંધણને બચાવવા અપીલ કરી છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધતાં યુકેમાં ફરી એકવાર કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસ સર્જાવાનો ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે ભય સમાવવાનો પ્રયાસ કરતાં જણાવ્યું છે કે સરકાર જનતા માટે બેઇલઆઉટ પેકેજ જાહેર કરી શકે છે. જોકે ઇરાન યુદ્ધ ચાલુ રહે તો તેની અસર દેશના અર્થતંત્ર પર થઇ શકે છે. ઇરાન યુદ્ધના કારણે યુકેમાં દરેક પરિવાર અને બિઝનેસને ફટકો પડી શકે છે.

ઇંધણની કિંમત છેલ્લા ચાર વર્ષની ટોચ પર પહોંચી ગયા બાદ વડાપ્રધાને જણાવ્યું હતું કે, સરકાર ચાંપતી નજર રાખી રહી છે. જોકે અર્થતંત્ર 2022માં રશિયા દ્વારા યુક્રેન પર હુમલો કરાયો તેના કરતાં અત્યારે સારી સ્થિતિમાં છે અને આર્થિક નુકસાનની અસર ખમી શકે તેમ છે.

ચાન્સેલર રેચલ રીવ્ઝે પણ ફુગાવામાં વધારો થવાની ચેતવણી ઉચ્ચારતા જણાવ્યું હતું કે, મીડલ ઇસ્ટમાં યુદ્ધ કેટલું લાંબુ ખેંચાય છે તેના પર આર્થિક અસરોનો આધાર રહેલો છે. આગામી મહિનાઓમાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

એનર્જી બિલમાં તોતિંગ વધારો થવાની ચેતવણી

ઇરાન યુદ્ધના કારણે સપ્લાયરો પર દબાણ સર્જાતાં ફિક્સડ રેટ એનર્જી ટેરિફમાં એક જ સપ્તાહમાં 300 પાઉન્ડ સુધીનો વધારો થઇ ગયો છે. જો યુદ્ધ લાંબુ ખેંચાશે તો આગામી વિન્ટરમાં ગ્રાહકોને એનર્જી બિલમાં મોટા વધારાનો સામનો કરવો પડશે. હાલ યુકેમાં 21 મિલિયન ગ્રાહકો ફિક્સ્ડ રેટ ટેરિફ્સ ચૂકવે છે. તેમાંથી મોટા ભાગનાની ડીલ્સ આ વર્ષના અંત ભાગમાં સમાપ્ત થશે ત્યારે તેમને પીડાદાયક ભાવવધારાનો સામનો કરવો પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter