લંડનઃ ઇરાન પરના અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પગલાંનો જોરદાર વિરોધ કરતાં વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે જણાવ્યું હતું કે, યુકે હવાઇ હુમલાઓ દ્વારા તખ્તાપલટમાં માનતો નથી. હાઉસ કોમન્સમાં સાંસદોને માહિતી આપતા વડાપ્રધાને જણાવ્યું હતું કે, યુકે ઇઝરાયેલ અને અમેરિકા દ્વારા ઇરાન પર શરૂ કરાયેલા હુમલાઓમાં સામેલ થશે નહીં. જોકે અમે ઇરાનના મિસાઇલ અડ્ડાઓ પર સંરક્ષણાત્મક હુમલા કરવા માટે રોયલ એરફોર્સના બેઝનો ઉપયોગ કરવા અમેરિકાને પરવાનગી આપી છે કારણ કે બ્રિટિશ હિતો અને બ્રિટિશ જીવનોની સુરક્ષાનો આજ શ્રેષ્ઠ વિકલ્પ છે.
સાંસદોએ પણ વડાપ્રધાનને આ યુદ્ધમાં યુકેને સામેલ ન કરવા અપીલ કરી હતી. વડાપ્રધાને જણાવ્યું હતું કે, ઇરાન પરના આક્રમણ પછી અમેરિકાની કાર્યવાહી અને યોજનાઓ અંગે મને શંકા છે. આપણે બધા ઇરાકમાં થયેલી ભૂલોને જાણીએ છીએ અને તેમાંથી પાઠ પણ શીખ્યાં છીએ. યુકેના પગલાં હંમેશા કાયદા આધારિત હોય છે અને વિચારપુર્વક તૈયાર કરેલી યોજનાઓને અનુસરે છે. મેં આ મામલામાં કરેલા નિર્ણયોમાં આ જ સિદ્ધાંતનો ઉપયોગ કર્યો છે.
સ્ટાર્મરે જણાવ્યું હતું કે, હું કોઇપણ કાર્યવાહીના કાનૂની આધાર ન હોય ત્યાં સુધી બ્રિટિશ મિલિટરી પર્સોનલના જીવનો જોખમમાં મૂકવા માગતો નથી. જોકે ઇરાનના વળતા પ્રહારના કારણે મીડલ ઇસ્ટમાં યુકેના સહયોગી દેશો પર હુમલા થઇ રહ્યા હોવાથી સંરક્ષણાત્મક હેતૂઓ માટે બ્રિટિશ થાણાઓનો ઉપયોગ કરવા પરવાનગી આપી છે અને યુકે યુદ્ધ વિમાનો તહેનાત કરી રહ્યો છે. અમે આંતરરાષ્ટ્રીય કાયદાને અનુસરીને પગલાં લઇ રહ્યાં છીએ.
ડિયેગો ગાર્શિયા બેઝના ઉપયોગની પરવાનગી ન આપતાં ટ્રમ્પ સ્ટાર્મરથી નારાજ
વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે અમેરિકાને ઇરાન પર હુમલા માટે ડિયેગો ગાર્શિયા બેઝની પરવાનગી ન આપતાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ નારાજ થયા છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે, સ્ટાર્મરે શરૂઆતમાં ચાગોસ આઇલેન્ડ્સનો ઉપયોગ કરવા દેવાનો ઇનકાર કર્યો હતો. બંને દેશ વચ્ચે પહેલાં આવું ક્યારેય થયું નથી. બ્રિટને ઇન્ટરનેશનલ કાયદાનો હવાલો આપીને ડિયેગો ગાર્શિયા અને આરએએફ ફેરફોર્ડનો ઉપયોગ કરવા દેવાની પરવાનગી આપવા ઇનકાર કર્યો હતો. જોકે રવિવારે રાત્રે સ્ટાર્મરે ડિયેગો ગાર્શિયાના ઉપયોગની પરવાનગી આપી હતી. ટ્રમ્પે જણાવ્યું હતું કે, પહેલાં બંને દેશ વચ્ચે આવું ક્યારેય થયું નથી. મને લાગે છે કે સ્ટાર્મર કાયદાઓની ચિંતા કરી રહ્યાં છે.
સાયપ્રસ અને ઇરાકમાં બ્રિટિશ બેઝ પર ઇરાનના ડ્રોનનો હુમલો
વડાપ્રધાને માહિતી આપી હતી કે ઇરાકમાં બ્રિટિશ સેના તહેનાત છે કેવા કોએલિશન બેઝ તરફ આગળ વધી રહેલા ઇરાનિયન ડ્રોનને રોયલ એરફોર્સે તોડી પાડ્યું હતું. સાયપ્રસમાં સ્થિત બ્રિટિશ થાણા પર પણ બે ઇરાનિયન ડ્રોન દ્વારા હુમલો કરાયો હતો. સાયપ્રસના બેઝ પર નજીવું નુકસાન થયું હતું અને અમે બેઝ પરના પરિવારોને સાયપ્રસમાં સલામત સ્થળે ખસેડ્યાં છે. આ બેઝનો ઉપયોગ અમેરિકી હુમલાઓ માટે થઇ રહ્યો નથી. સાયપ્રસના બેઝ પર ડ્રોન હુમલો લેબેનોનમાંથી હિઝબુલ્લા દ્વારા કરાયો હોવાનું માનવામાં આવે છે.


