લંડનઃ ઇસ્ટ લંડનના ઇલફોર્ડમાં આવેલા શ્રી સોરઠિયા પ્રજાપતિ કોમ્યુનિટી સેન્ટરમાં ગયા શનિવારે રાત્રે આગ ફાટી નીકળતાં આખું સેન્ટર ખાક થઇ ગયું હતું. જોકે સદ્દનસીબે તેમાં કોઇને ઇજા થઇ નહોતી. ક્લીવલેન્ડ રોડ પર આવેલા સેન્ટરમાં આગ લાગી ત્યારે શ્રદ્ધાળુઓ ગણેશ ચતુર્થીના સરઘસમાં ગયા હોવાથી કોઇ હાજર નહોતું જેના કારણે મોટી કરૂણાંતિકા સર્જાતી અટકી હતી.
આગના કારણે સમગ્ર સેન્ટર આગમાં ભસ્મીભૂત થઇ ગયું હતું. સેન્ટરમાં સ્થિત તમામ પ્રતીમા અને અન્ય સામાન રાખ થઇ ગયાં હતાં. આગ એટલી ભયાનક હતી કે આસપાસના મકાનો ખાલી કરાવવા પડ્યાં હતાં. આગના સમાચાર મળતાં જ 6 ફાયર એન્જિન અને 40 લાશ્કરો દોડી ગયાં હતાં અને આગને કાબૂમાં લેવાના પ્રયાસ કર્યાં હતાં. ઘણા કલાકની મહેનત બાદ આગ કાબૂમાં લેવાઇ હતી પરંતુ ત્યાં સુધીમાં સેન્ટરને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું.
મેટ્રોપોલિટન પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે આગના કારણની તપાસ કરી રહ્યાં છીએ. પ્રાથમિક તપાસમાં આગ લગાવાઇ હોવાના કોઇ તારણો સામે આવ્યાં નથી.
કોમ્યુનિટી મેમ્બર રવી ભનોતે જણાવ્યું હતું કે, સાંજના સાડા 6 કલાકે ગણેશ ચતુર્થીના સરઘસનો પ્રારંભ કરાયો હતો. અમે નથી જાણતા કે આગ કેવી રીતે લાગી પરંતુ રાતના 8 કલાકે અંદરથી મોટો વિસ્ફોટ થયો હતો. આગના કારણે અમારો સમાજ ઘણો દુઃખી છે. રવિવારે સેન્ટરમાં હવનનું આયોજન કરાયું હતું.
ઘટનાસ્થળે પહોંચેલા ઇલફોર્ડ સાઉથના સાંસદ જસ અઠવાલે જણાવ્યું હતું કે, મોટું નુકસાન થયું હોવાના કારણે આખું બિલ્ડિંગ નવેસરથી તૈયાર કરવું પડશે.


