લંડનઃ ઇસ્ટ લંડનમાં ઇલફોર્ડના વૂડફોર્ડ એવન્યૂ ખાતે સ્થિત ભારતીય રેસ્ટોરન્ટ ઇન્ડિયન એરોમા ખાતે શંકાસ્પદ આગજનીની ઘટનામાં પાંચ વ્યક્તિને ઇજા પહોંચી હતી જેમાંથી 3ની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળે છે. પાંચેય ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી. શુક્રવારે રાત્રે 9 કલાકે રેસ્ટોરન્ટ ખાતે આગની માહિતી મળતા પોલીસ, પેરામેડિક્સ અને ફાયર ફાઇટર્સની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. ડિટેક્ટિવ ચીફ ઇન્સેપક્ટર માર્ક રોજર્સે જણાવ્યું હતું કે, આ ઘટનાથી સ્થાનિક સમુદાયમાં ચિંતા પ્રસરી છે તે અમે સમજી શકીએ છીએ. અમે ઝડપથી તપાસ કરી રહ્યાં છે. પોલીસે આ મામલામાં કાર્યવાહી કરતાં 15 વર્ષીય કિશોર અને 54 વર્ષીય પૌઢની અટકાયત કરી છે. પોલીસનું માનવું છે કે રેસ્ટોરન્ટ પર પેટ્રોલ બોમ્બથી હુમલો કરાયો હતો. બંને આરોપીના ઇરાદા અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
લઘુત્તમ વેતન ન ચૂકવતા ઇસ્ટ હામના ભારતીય રેસ્ટોરન્ટનું લાયસન્સ રદ
ઇસ્ટ હામમાં આવેલા ભારતીય રેસ્ટોરન્ટમાં કર્મચારીઓને લઘુત્તમ વેતન ન ચૂકવાતાં લાયસન્સ રદ કરી દેવાયું છે. ન્યૂહામ કાઉન્સિલના અધિકારીઓએ જૂન 2024માં ઉદય રેસ્ટોરન્ટ પર દરોડો પાડ્યો હતો જેમાં ત્યાં કામ કરતા કર્મચારીઓએ લઘુત્તમ વેતન ન ચૂકવાતું હોવાની ફરિયાદ કરી હતી. કેટલાક કર્મચારીઓને ફૂડ અને એકોમોડેશન આપીને કામ કરાવાતું હતું. હોમ ઓફિસે જણાવ્યું હતું કે, રેસ્ટોરન્ટમાં કામ કરતા 7માંથી 4 કર્મચારી ગેરકાયદેસર કામ કરી રહ્યાં હતાં. ગયા જૂન મહિનામાં આ મામલો સામે આવતાં રેસ્ટોરન્ટને 1,80,000 પાઉન્ડની પેનલ્ટી ફટકારાઇ હતી. હાલ આ રેસ્ટોરન્ટનું લાયસન્સ 3 મહિના માટે રદ કરી દેવાયું છે.
સ્લાઉનો રોશની ફૂડ એન્ડ વાઇન સ્ટોર હાઇજિન ઇન્સ્પેક્શનમાં નિષ્ફળ
સ્લાઉનો ગ્રીન ગ્રોસરી સ્ટોર રોશની ફૂડ એન્ડ વાઇન વધુ એકવાર હાઇજિન ઇન્સ્પેક્શનમાં નિષ્ફળ રહ્યો છે. કાઉન્સિલ અધિકારીઓની તપાસમાં આ મામલો સામે આવ્યો હતો. સ્ટોરને 5માંથી 1 સ્ટારનું રેટિંગ અપાયું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, સ્ટોરે હાઇજિન સુધારવા માટે ઘણી કામગીરી કરવાની જરૂર છે.


