લંડન
ઇલેક્ટ્રિક કારના ઉત્પાદકો તેમની કારની એવરેજ માટે ગ્રાહકોને મૂર્ખ બનાવી રહ્યાં છે. એક અભ્યાસ અનુસાર કારના ઉત્પાદકો સત્તાવાર રીતે જેટલી એવરેજની જાહેરાત કરે છે તે વાસ્તવિક પરિસ્થિતિમાં એટલી એવરેજ આપતી નથી. કન્ઝ્યુમર ચેમ્પિયન્સ વિચ દ્વારા તાજેતરમં 70 કરતાં વધુ ઇલેક્ટ્રિક વાહનોના સ્વતંત્ર ટેસ્ટ કરાયા હતા. તેમાં જાણવા મળ્યું હતું કે, કાર ઉત્પાદકો જેટલી એવરેજનો દાવો કરે છે તેના કરતાં તેની એવરેજ અથવા તો માઇલેજ 20 ટકા ઓછાં હોય છે. તેના કારણે ઇલેક્ટ્રિક કારના માલિકોને પ્રતિ માઇલ વધુ ખર્ચ કરવો પડે છે. ટેસ્ટમાં એવું પણ જાણવા મળ્યું છે કે ઇલેક્ટ્રિક કારના ઉત્પાદકો દ્વારા બેટરી ફૂલ ચાર્જ થવા માટે જેટલો સમય જાહેરાતોમાં જણાવવામાં આવે છે તેના કરતાં 15 ટકા વીજળી વધુ વપરાય છે તેના કારણે કારની રનિંગ કોસ્ટમાં વધારો થાય છે.
યુકેમાં સૌથી લોકપ્રિય એવી ટેસ્લાની મોડેલ વાયની ઇલેક્ટ્રિક કાર ઉત્પાદકોની જાહેરાતની સરખામણીમાં 100 માઇલ ઓછા માઇલેજ આપે છે. નિસાન લીફ ઇલેક્ટ્રિક કારના માઇલેજ તો દાવા કરતાં 50 માઇલ ઓછાં રહે છે. ટેસ્લાની મોડેલ વાય કાર 331 માઇલ એવરેજ આપતી હોવાનો દાવો કરાય છે પરંતુ રિઅલ ટેસ્ટમાં તે 231 માઇલ જ એવરેજ આપે છે. ટેસ્લાનું મોડેલ થ્રી 374 માઇલના દાવા સામે 260 માઇલની એવરેજ આપે છે. કિય નિરો 285 માઇલના સ્થે 165, નિસાન લીફ 239 માઇલના સ્થાને 187 માઇલની એવરેજ આપે છે.
યુકેમાં પેટ્રોલ અને ડીઝલ કાર પર વર્ષ 2030થી પ્રતિબંધ લદાવાનો છે ત્યારે આગામી વર્ષે કુલ નવી કાર પૈકીની 20 ટકા કાર ઇલેક્ટ્રિક રહેવાનો અંદાજ સરકાર દ્વારા વ્યક્ત કરાયો છે. પરંતુ હાલમાં કરાયેલા ટેસ્ટના પરિણામો ઇલેક્ટ્રિક કારના માલિકોને હતાશ કરનારા છે. ઉત્પાદક કંપનીઓના દાવા કરતાં એક ચાર્જમાં ઇલેક્ટ્રિક કાર 20 ટકા ઓછી માઇલેજ આપી રહી છે.


