લંડનઃ લેબર સાંસદ તાહિર અલીએ સંસદમાં ધાર્મિક પુસ્તકોને નુકસાન કરવાને અપરાધ બનાવવા કાયદો ઘડવાની માગ કરતાં ઇશનિંદાના કાયદા પુનઃલાગુ કરવા પર દેશમાં ચર્ચા છેડાઇ છે. તાહિર અલી દ્વારા ધર્મગ્રંથોને નુકસાન અને અપમાન માટે કાયદો ઘડવાની માગ કરાતા યુકેમાં ઇશનિંદાના કાયદા પાછા આવી શકે તેવી સંભાવનાઓ પર ચિંતા વધી છે.
બર્મિંગહામ હોલ ગ્રીન અને મોસેલીના સાંસદ તાહિર અલીએ વડાપ્રધાન સ્ટાર્મરના સવાલો દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, નવેમ્બર મહિનો ઇસ્લામોફોબિયા અવેરનેસ મન્થ તરીકે મનાવવામાં આવી રહ્યો છે. તેમણે ધર્મગ્રંથોના અપમાન માટે સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદના ઠરાવનો હવાલો આપ્યો હતો. તેમણે સવાલ કર્યો હતો કે શું વડાપ્રધાન સ્ટાર્મર ધર્મગ્રંથોના અપમાનને અટકાવવા સરકાર કેવા પગલાં લેવા માગે છે. આ પ્રકારની ઘટનાઓ વિભાજન અને નફરત ફેલાવે છે.
ઇશનિંદાનો કાયદો ધર્મગ્રથો, ધાર્મિક માન્યતાઓ અને ધાર્મિક વિભૂતિઓના અપમાનને અટકાવે છે. વિશ્વના ઘણા દેશોમાં આ કાયદો અમલમાં છે. યુકેમાં વર્ષ 2008 સુધી ઇશનિંદાનો કાયદો અમલમાં હતો પરંતુ ત્યારબાદ તેને ઇંગ્લેન્ડ અને વેલ્સમાંથી નાબૂદ કરાયો હતો.


