લંડનઃ લંડનમાં ઇસ્કોન દ્વારા સંચાલિત ગોવિંદા શાકાહારી રેસ્ટોરન્ટમાં એક અશ્વેત યુવાને ચીકન ખાતાં મોટો વિવાદ સર્જાયો હતો. એક વાઇરલ વીડિયોમાં રેસ્ટોરન્ટમાં નિયમોનું ઉલ્લંઘન કરી ચીકન ખાતો યુવક જોઇ શકાય છે. રેસ્ટોરન્ટની બહાર સ્પષ્ટ નિયમો લખેલાં છે કે આ રેસ્ટોરન્ટ મંદિર સાથે સંકળાયેલ છે અને તે શુદ્ધ શાકાહારી છે. જોકે આ વીડિયોની સ્વતંત્ર ચકાસણી હજુ થઇ શકી નથી.
વીડિયો અનુસાર એક યુવક રેસ્ટોરન્ટમાં આવ્યો હતો અને તેણે સવાલ કર્યો હતો કે શું આ શાકાહારી રેસ્ટોરન્ટ છે. તેણે ફરી પૂછ્યું હતું કે, શું ખરેખર અહીં માંસ પીરસાતું નથી. તેને જવાબ આપવામાં આવ્યો હતો કે અહીં માંસ જ નહીં, ડુંગળી અને લસણ પણ પીરસાતા નથી.
ત્યારબાદ આ યુવકે તેની બેગમાંથી કેએફસીની બકેટ બહાર કાઢી હતી અને તેમાંથી ચીકન ખાવા લાગ્યો હતો. તેણે રેસ્ટોરન્ટના સ્ટાફ અને આસપાસ રહેલા લોકોને પણ ચીકન ખાવાની ઓફર આપી હતી.
ઇન્ટરનેટ પર લોકોએ પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે, આને આપણે શું કહી શકીએ, રેસિઝમ કે પછી હિન્દુઓ પ્રત્યેની નફરત.
વિવાદની જડમાં રહેલા બ્રિટિશ યુ-ટ્યુબર સેન્ઝોએ માફી માગતા જણાવ્યું હતું કે, હું આ વિસ્તારમાં આવેલા શાકાહારી રેસ્ટોરન્ટો સાથે પ્રેન્ક કરી રહ્યો હતો. તેણે એક વીડિયો સંદેશો જારી કરીને જણાવ્યું હતું કે, હું માફી માગી રહ્યો છું.


