લંડનઃ ઇસ્ટ લેસ્ટરમાં ધાર્મિક સ્થળોમાં ચોરી અને લૂટની ઘટનાઓએ ધાર્મિક આગેવાનોને ચિંતામાં મૂકી દીધાં છે. લેસ્ટરશાયર પોલીસે 21 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી વચ્ચે આ પ્રકારની 7 ઘટનાને અનુમોદન આપ્યું છે. ચોરોએ ચર્ચ, મસ્જિદ અને મંદિરોને લક્ષ્યાંક બનાવ્યાં હતાં. આ પ્રકારની શ્રેણીબદ્ધ ઘટનાઓએ ધાર્મિક આગેવાનો અને શ્રદ્ધાળુઓને ચિંતામાં મૂકી દીધાં છે. ધાર્મિક આગેવાનોએ દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ધાર્મિક સ્થાનોને ચોરો દ્વારા નિશાન બનાવવામાં આવી રહ્યાં છે.
23 જાન્યુઆરીના રોજ બેલગ્રેવમાં ઓલ સેન્ટ્સ ચર્ચમાં ઘૂસીને ચોરો ટેલિવિઝન, લેપટોપ અને 1000 પાઉન્ડ જેટલી દાનની રકમ ઉઠાવી ગયાં હતાં. ફેડરેશન ફોર મુસ્લિમ ઓર્ગેનાઇઝેશનના પ્રવક્તા સુલેમાન નાગદીએ જણાવ્યું હતું કે, ચોરો ધાર્મિક સ્થળોને નિશાન બનાવી રહ્યાંની ઘટનાઓ અત્યંત દુઃખદ છે. હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તી સમુદાયોના સંખ્યાબંધ ધાર્મિક સ્થળોમાં ચોરીની ઘટનાઓ નોંધાઇ છે.
નાગદીએ જણાવ્યું હતું કે, ચોરોએ ધાર્મિક સ્થળોને અપવિત્ર કર્યાં છે. ધાર્મિક સ્થળોમાં ચોરીની આપણે કલ્પના પણ કરી શક્તાં નથી. આ મામલો કેટલાક પાઉન્ડનો નથી પરંતુ ધાર્મિક સ્થળોની પવિત્રતાના ઉલ્લંઘનનો છે. આ તદ્દન અસ્વીકાર્ય છે. ચોરો તમામ ધર્મના સ્થળોને લક્ષ્યાંક બનાવી રહ્યાં છે.
લેસ્ટરશાયર પોલીસના સાર્જન્ટ સિઆન હેરિસે ધાર્મિક સ્થળોની સુરક્ષા અને ચોરીની ઘટનાઓની વ્યાપક તપાસનું આશ્વાસન આપ્યું હતું.


