લંડનઃ વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે ઇસ્ટર સન્ડેના પર્વ નિમિત્તે પાઠવેલા રાષ્ટ્રજોગ સંદેશમાં જણાવ્યું હતું કે, જ્યારે બ્રિટન વિભાજનને બદલે સમુદાયની પસંદગી કરે છે ત્યારે તે સર્વોત્તમ હોય છે. ડાઉનિંગ સ્ટ્રીટ ખાતેથી કરેલા સંબોધનમાં સ્ટાર્મરે સ્વીકાર્યું હતું કે અત્યારે સાચી ચિંતાની ક્ષણ છે કારણ કે મધ્ય પૂર્વના સંઘર્ષની અસર યુકેના અર્થતંત્ર પર પડી રહી છે.
તેમણે જણાવ્યું હતું કે, અનિશ્ચિતતાના આ સમયમાં શ્રદ્ધા આશ્વાસન અને મજબૂત આધાર આપી શકે છે. તેમણે પરિવારોને ટેકો આપવા અને લોકોને એકઠા કરવા બદલ દેશભરના ચર્ચોની પ્રશંસા કરી હતી. સ્ટાર્મરે જણાવ્યું હતું કે, જ્યારે કેટલાક લોકો વિભાજન કરવાનો પ્રયાસ કરે છે ત્યારે સરકાર વિવિધ ધર્મો અને મતભેદો વચ્ચે રહીને એક એવો દેશ બનાવવા માટે પ્રતિબદ્ધ છે જે વધુ સર્વસમાવેશક અને એકતાથી જોડાયેલો હોય.
તેમણે ઉમેર્યું હતું કે, ઇસ્ટર એ આશા, નવું જીવન અને નવીનીકરણનો ઉત્સવ છે. દેશભરના ચર્ચો અને ખ્રિસ્તી સમુદાયો શાંતિથી અને અથાકપણે પરિવારો અને પડોશીઓને મદદ કરે છે, જે રાષ્ટ્રીય પુનરુત્થાન અને ખ્રિસ્તના સેવાભાવનાના ઉદાહરણને પ્રતિબિંબિત કરે છે.
સાઉથ એશિયન બેપ્ટિસ્ટ ચર્ચ દ્વારા ઇસ્ટર માર્ચનું આયોજન
સાઉથ એશિયન બેપ્ટિસ્ટ ચર્ચ દ્વારા 28 માર્ચ શનિવારના રોજ હાઇ સ્ટ્રીટ પર ઇસ્ટર માર્ચનું આયોજન કરાયું હતું. તેમાં સ્થાનિક સાંસદ ટેન ઢેસી પણ ઉપસ્થિત રહ્યા હતા.


