લંડનઃ માત્ર 13 વર્ષના ટીનેજરની ઈસ્લામિક આતંકવાદના અપરાધ બદલ વેસ્ટ લંડનમાં 17 મે, મંગળવારે ધરપકડ કરાઈ છે. તેને જૂન મહિનાની મધ્યની તારીખ સુધી જામીન પર મુક્ત કરાયો છે. આ ટીનેજર સામે ઈસ્લામિક આતંકવાદના અંગે સામગ્રી ઓનલાઈન જાહેર કરવાનો આરોપ છે.
મેટ્રોપોલીટન પોલીસે જણાવ્યું હતું કે બ્રિટનના ટેરરિઝમ એક્ટ 2006ની કલમ બે અંતર્ગંત આ 13 વર્ષના સગીર સામે કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ દ્વારા ઈસ્લામિક કટ્ટરવાદ મુદ્દે ચલાવાતી તપાસમાં કટ્ટરવાદી ઈસ્લામિક સામગ્રીનો ઓનલાઈન પ્રચાર અને પ્રસાર નજરમાં આવતા તેના સરનામા પર શોધ ચલાવાઈ હતી. મેટ પોલીસના કાઉન્ટર ટેરરિઝમ કમાન્ડના વડા કમાન્ડર રિચાર્ડ સ્મિથે જણાવ્યું હતું કે આટલી નાની વયમાં ત્રાસવાદ સંબંધિત અપરાધમાં ધરપકડ અસામાન્ય બાબત ગણાય પરંતુ, સંખ્યાબંધ તરૂણોને આતંકવાદમાં ઘસેડાઈ રહ્યા છે તે ચિંતાજનક છે.
યુકેમાં ત્રાસવાદ સંબંધિત આરોપ લગાવાયેલા કથિત કટ્ટરવાદીઓમાં આ સગીર યુવાન સૌથી નાની વયનો છે. જો તેને દોષી ઠરાવી સજા કરાશે તો યુકેમાં આતંકવાદ મુદ્દે સજા પામનારો સૌથી યુવા વયનો અપરાધી બનશે. ગયા વર્ષે અતિ જમણેરી મંતવ્યો ધરાવતા યુવાનને 13 વર્ષની વયે ત્રાસવાદનો પ્રથમ ગુનો આચરવા બદલ 24 મહિના માટે યુવા પુનર્વસન આદેશની સજા ફરમાવાઈ હતી.

