ઇસ્લામિક ઉગ્રવાદ બ્રિટિશ લોકશાહીનો વિનાશ કરી રહ્યો છે

માઇક ફ્રીઅરનું રાજીનામુ ઇસ્લામિક ઉગ્રવાદીઓનો વધુ એક વિજય

Tuesday 06th February 2024 10:53 EST
 
 

લંડનઃ યહૂદીઓની નોંધપાત્ર વસતી ધરાવતા નોર્થ લંડનના મતવિસ્તાર ફિન્ચલી એન્ડ ગોલ્ડર્સ ગ્રીનના સાંસદ માઇક ફ્રીઅરના રાજીનામાનો નિર્ણય બ્રિટિશ મુક્ત લોકશાહી સામે ઇસ્લામિક ઉગ્રવાદીઓનો વધુ એક વિજય છે. પાર્ટીના અધ્યક્ષને પાઠવેલા પત્રમાં ફ્રીઅરે સાંસદ તરીકે તેમની અંગત સુરક્ષા પર રહેલા ગંભીર જોખમોનો ઉલ્લેખ કર્યો છે. 2011માં પણ એક મસ્જિદમાં મતદારો સાથેની મુલાકાત દરમિયાન મુસ્લિમ્સ અગેઇન્સ્ટ ક્રુઝેડ્સના કેટલાક લોકોએ તેમના પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. ફ્રીઅર પોતે ગે હોવાનું જાહેરમાં સ્વીકારે છે અને ઇઝરાયેલના સમર્થક છે.

એવી પણ માહિતી બહાર આવી છે કે ઓક્ટોબર 2021માં ટોરી સાંસદ સર ડેવિડ એમેસની હત્યા કરનાર ઇસ્લામિક આતંકવાદી અલી હાર્બી લીએ ફ્રીઅર પર હુમલો કરવાના ઇરાદાથી તાજેતરમાં આ વિસ્તારની મુલાકાત લીધી હતી. ઇસ્લામિક આતંકવાદ ન કેવળ સાંસદોની સુરક્ષા પર ધમકી બની રહ્યો છે પરંતુ સૌથી ગંભીર જોખમ છે.

પોતાની અંગત સુરક્ષા પર જોખમના કારણે રાજનીતિને અલવિદા કહેવાનો ફ્રીઅરનો નિર્ણય બ્રિટિશ સંસદીય લોકશાહીના ઇસ્લામ પ્રેરીત ખવાણનું વધુ એક ઉદાહરણ છે. રાજકીય મતભેદો હોવા છતાં જેઓ કાયદાના શાસનને બ્રિટિશ લોકશાહીનો મુખ્ય સ્થંભ ગણે છે તેમણે આ મામલે ગંભીર ચિંતા સેવવી જોઇએ.

સાંસદોને બોડીગાર્ડ આપવા જોઇએઃ વડાપ્રધાન સુનાક

વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું છે કે સાંસદોને સુરક્ષા માટે બોડી ગાર્ડ ઉપલબ્ધ કરાવવા જોઇએ. ટોરી સાંસદ માઇક ફ્રીઅરને મળેલી ધમકીઓ અને તેમની ઓફિસ પર હુમલાની ઘટના બાદ તેમણે આગામી ચૂંટણીમાં ઉમેદવારી નહી કરવાની કરેલી જાહેરાતને પગલે વડાપ્રધાને સાંસદોને સુરક્ષા ગાર્ડ આપવાનું સૂચન કર્યું છે. હાલમાં વડાપ્રધાન, ડિફેન્સ અને હોમ સેક્રેટરી અને નોર્ધન આયર્લેન્ડના સેક્રેટરીને સુરક્ષા ગાર્ડ અપાય છે. સુનાકે જણાવ્યું હતું કે, માઇકને જે સ્થિતિમાંથી પસાર થવું પડ્યું તે દુર્ભાગ્યપૂર્ણ છે. સાંસદો કોઇપણ ભય વિના જનતાની સેવા કરી શકે તે સુનિશ્ચિત થવું જોઇએ. સાંસદોને ધમકી આપતી વિચારધારાઓને જડમૂળથી ઉખેડી ફેંકવી જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter