લંડનઃ ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ યુકેની રાજનીતિને હચમચાવી દીધી છે. વેસ્ટમિન્સ્ટર અને સંસદમાં બે સૌથી મોટા રાજકીય પક્ષો પરસ્પર મૂકાઇ રહેલા આરોપ પ્રત્યારોપથી બેવડ અને વિચલિત બની ગયાં છે. કન્ઝર્વેટિવ પાર્ટીમાં લી એન્ડરસન દ્વારા લંડનના મેયર વિરુદ્ધ કરાયેલી ટિપ્પણીઓએ ઘમસાણ મચાવ્યું છે તો સંસદમાં ઇઝરાયેલ-હમાસ યુદ્ધવિરામ પરના મતદાનની પ્રક્રિયા પર સ્પીકર લિન્ડસે હોયલે દ્વારા લેવાયેલા નિર્ણયો વિવાદનું કેન્દ્ર બની રહ્યાં છે. લેબર પાર્ટી પણ આનાથી અછૂતી રહી શકી નથી. રોશડેલની પેટાચૂંટણીમાં લેબર ઉમેદવાર દ્વારા એન્ટી સેમેટિક ટિપ્પણીઓએ આ પાર્ટીમાં પણ બે જૂથોને સામસામે લાવી દીધાં છે.
એન્ડરસનની ટિપ્પણીઓ બાદ વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, પાર્ટીમાં ઇસ્લામોફોબિયાને કોઇ સ્થાન નથી. તેમણે એન્ડરસન પાસે માફીની માગ કરી હતી પરંતુ એન્ડરસને માફી માગવાનો ધરાર ઇનકાર કરી દીધો હતો. આ વિવાદમાં પૂર્વ હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેને પણ ઝંપલાવી દીધું છે. તેમણે આરોપ મૂક્યો છે કે યુકે પર ઇસ્લામિક કટ્ટરવાદીઓ હાવી થઇ રહ્યાં છે.
નવું સપ્તાહ ઇસ્લામોફોબિયા મુદ્દે બ્રિટનના રાજકીય પક્ષો, સંસદ અને સ્પીકર માટે અગ્નિપરીક્ષા સમાન બની રહેવાનું છે તેમાં કોઇ શંકા નથી. કન્ઝર્વેટિવ પાર્ટી અને લેબર પાર્ટીમાં પ્રવર્તી રહેલા આરોપ પ્રત્યારોપની આગને સુનાક અને સ્ટાર્મર કેવી રીતે બૂઝાવશે તેના પર સૌની નજર રહેવાની છે. સંસદમાં સ્પીકર લિન્ડસે હોયલે દ્વારા ગાઝા યુદ્ધવિરામના પ્રસ્તાવ પર મતદાન કરાવાશે કે પછી તેમને સ્પીકરપદનો ત્યાગ કરવો પડશે તે પણ ચર્ચાનો વિષય બની રહ્યો છે.
કટ્ટરવાદીઓની ધમકીને પગલે સાંસદોને બોડીગાર્ડ અપાયાં
ઇસ્લામિક કટ્ટરવાદીઓ તરફથી મળી રહેલી ધમકીઓને જોતાં સાંસદોને બોડીગાર્ડ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યાં છે. સાંસદ પર રહેલા જોખમની સમીક્ષા બાદ સંસદના ખર્ચે સાંસદોને પ્રાઇવેટ કંપનીઓના સુરક્ષા કર્મચારી બોડી ગાર્ડ તરીકે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. હમાસના ઇઝરાયેલ પરના હુમલા બાદ સુરક્ષાની જરૂર હોય તેવા સાંસદોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. જોકે સુરક્ષા મેળવનાર સાંસદોના નામ જાહેર કરાયાં નથી. એમ માનવામાં આવે છે કે 3 મહિલા સાંસદોને પણ અંગત સુરક્ષા ગાર્ડ અપાયાં છે.


