લંડનઃ પૂર્વ કટ્ટરવાદ વિરોધી એક્ટિવિસ્ટ લોર્ડ વાલનીએ જણાવ્યું છે કે સરકારની નવી ઇસ્લામોફોબિયા વ્યાખ્યા નિષ્ણાતોને બ્રિટનમાં ઇસ્લામિક પ્રભાવ અંગે ચેતવણી આપતા અટકાવશે. એન્જેલા રેયનરના વિભાગ દ્વારા થઇ રહેલી સમીક્ષાએ ઇસ્લામોફોબિયા શબ્દ પડતો મૂકવો જોઇએ અથવા નાગરિકોને સુરક્ષાને બદલે ધર્મને ટીકા સામે રક્ષણ આપવાનું જોખમ વહોરી લેવું જોઇએ.
સરકાર દ્વારા ઇસ્લામોફોબિયા અથવા તો મુસ્લિમો પ્રત્યેની નફરતની નવી વ્યાખ્યા 6 મહિનામાં તૈયાર કરવાની કવાયત હાથ ધરાઇ છે. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં મુસ્લિમોને લક્ષ્યાંક બનાવતા હેટ ક્રાઇમ ઓલટાઇમ હાઇ પહોંચતા સરકારે ઇસ્લામોફોબિયાની નવી વ્યાખ્યા કરવા એક વર્કિંગ ગ્રુપની રચના કરાઇ છે.
રેયનરને ચેતવણી આપવામાં આવી છે કે મુસ્લિમ વિરોધી નફરતના સ્થાને ઇસ્લામોફોબિયા શબ્દનો ઉપયોગ ઇરાન જેવા દેશો દ્વારા કરાતા બદઇરાદાવાળા કૃત્યોને ઉઘાડા પાડવાના પ્રયાસોને પણ ઇસ્લામોફોબિયાનું નામ આપી દેવાશે.
લોર્ડ વાલનીએ જણાવ્યું હતું કે, સરકારે તેના પ્રયાસો પડતા મૂકવાની જરૂર નથી કારણ કે દેશમાં મુસ્લિમ વિરોધી નફરત પ્રવર્તી રહી છે. જોકે, ઇસ્લામોફોબિયા શબ્દ ધર્મની ટીકા કરતા અટકાવશે. અગાઉ જેરેમી કોર્બિનના નેતૃત્વમાં લેબર પાર્ટી દ્વારા અગાઉ સ્વીકારાયેલી વ્યાખ્યામાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે, પાકિસ્તાની ગ્રુમિંગ ગેંગોના ઉલ્લેખ અથવા બ્રિટિશ સમુદાયોમાં હસ્તક્ષેપ કરવા માગતા ઇસ્લામિસ્ટ સંગઠનોનો ઉલ્લેખ ઇસ્લામોફોબિયા ગણાશે.