લંડનઃ જો સરકાર ઇસ્લામોફોબિયાની નવી વ્યાખ્યા કરવાની યોજનામાં આગળ વધશે તો બ્રિટનમાં સામાજિક અંધાધૂંધી અને સમાજ બે ભાગમાં વહેંચાઇ જવાનું જોખમ હોવાની ચેતવણી એક કેમ્પેન ગ્રુપે ઉચ્ચારી છે.
મુસ્લિમ વિરોધી નફરતની ઘટનાઓ મોનિટર કરતા ટેલ મામા ઓર્ગેનાઇઝેશનના સ્થાપક ફિયાઝ મુઘલ માને છે કે ઇસ્લામોફોબિયાની નવી વ્યાખ્યાથી વાણી સ્વતંત્રતા પર ગંભીર અસર પડશે અને પાછલા બારણે ઇશનિંદાનો કાયદો લાગુ થશે. કાયદો બધાના માટે સમાન હોવો જોઇએ.
મુઘલે જણાવ્યું હતું કે, આ વ્યાખ્યા કાયદાકીય રીતે બંધનકર્તા નહીં હોય ત્યારે પોલીસ, પ્રોસિક્યુટર્સ અને અન્ય સત્તામંડળો અને નોકરીદાતાઓ તેને સ્વીકારશે અને મુસ્લિમ આસ્થા સાથે સંકળાયેલી કોઇપણ બાબતની ટીકા અપરાધ બની રહેશે. તેના કારણે ગ્રુમિંગ સ્કેન્ડલ અંગેની જાહેર ટીકાઓ બંધ થઇ જશે. નવી વ્યાખ્યાના કારણે હિજાબ અને નિકાબ, શરિયા અદાલતો પરની ચર્ચાઓ પણ બંધ થઇ શકે છે.
તેમણે જણાવ્યું હતું કે, આના કારણે સમાજ બે હિસ્સામાં વહેંચાઇ જશે. કાયદાના અલગ અલગ અમલના કારણે જનતા નાખુશ થશે. જનતા એવા પણ સવાલ ઉઠાવી રહી છે કે શા માટે મુસ્લિમોને વધારાનું સંરક્ષણ આપવું જોઇએ, શા માટે તેમના માટે વધુ કાયદા હોવા જોઇએ...


