લંડનઃ મુસ્લિમ વિરોધી વલણની બિનકાયદાકીય વ્યાખ્યા અને યુકે સરકાર દ્વારા ઇસ્લામોફોબિયા ઝારની નિયુક્તિની હિન્દુ અને શીખ સંગઠનો દ્વારા આકરી ટીકા કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે તેનાથી રોષમાં વધારો થશે અને અન્ય ધર્મો હાંસિયામાં ધકેલાઇ જશે.
જ્યુડિશિયલ રિવ્યૂના માધ્યમથી વ્યાખ્યાને પડકાર આપતાં પહેલાં નેટવર્ક ઓફ શીખ ઓર્ગેનાઇઝેશન્સ અને ફ્રી સ્પીચ યુનિયન કોમ્યુનિટી સેક્રેટરી સ્ટીવ રીડને પત્રો લખવાની તૈયારી કરી રહ્યાં છે. અન્ય ધર્મો સાથે વિચાર વિમર્શ ન કરવા માટે હિન્દુ કાઉન્સિલ યુકેએ પણ સરકારની ટીકા કરી છે.
નેટવર્ક ઓફ શીખ ઓર્ગેનાઇઝેશન્સે જણાવ્યું છે કે તમામ ધર્મો અને આસ્થાઓ સાથે સમાન વ્યવહાર થવો જોઇએ. જો સરકાર પાસે એક ધર્મ માટે સ્પેશિયલ વર્કિંગ ગ્રુપ છે તો અન્ય ધર્મોનું શું. એક ધર્મના હિતોને રક્ષણ આપવા સરકારે વિશેષ પ્રતિનિધિની નિયુક્તિ કરી છે. આવો ભેદભાવ શા માટે. કાયદામાં તમામ ધર્મોને સંરક્ષણ અપાયું છે ત્યારે આ પ્રકારની બિનકાયદાકીય વ્યાખ્યાની શું જરૂર છે.
ઓર્ગેનાઇઝેશને ચિંતા વ્યક્ત કરી હતી કે આ વ્યાખ્યાના કારણે ગ્રૂમિંગ ગેંગ જેવા મહત્વના મામલાઓમાં વાણી સ્વતંત્રતા પર અસર પડશે. શું પ્રાણીઓની હલાલ કતલ સામે શીખોના વિરોધને મુસ્લિમોના વિરોધ તરીકે જોવાશે.
હિન્દુ કોમ્યુનિટી ઓર્ગેનાઇઝેશન્સ ગ્રુપના કન્વિનર વિનોદ પોપટે સ્ટીવ રીડને પત્ર લખી સવાલ કર્યો છે કે શા માટે હિન્દુ વિરોધી નફરતને માન્યતા અપાતી નથી. તાજેતરમાં હેરોમાં સિદ્ધાશ્રમ ખાતે હોળીની ઉજવણી કરતા લોકો પર 20 જેટલા તોફાનીઓ દ્વારા હુમલો કરાયો હતો. શા માટે હેરો પોલીસ આ હુમલાને ગંભીરતાથી લેતી નથી.
શું છે વ્યાખ્યા
સરકાર દ્વારા જાહેર કરાયેલી વ્યાખ્યામાં મુસ્લિમ વિરોધી વલણને અપરાધિક કૃત્ય ગણાવવામાં આવ્યું છે જેમાં ધર્મના કારણે મુસ્લિમોની શાબ્દિક હેરાનગતિ, કોઇપણ અપરાધ માટે સમગ્ર મુસ્લિમ સમાજને જવાબદાર ઠેરવવા અને મુસ્લિમોને ગેરલાભ થાય તેવી કામગીરીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
શીખોને ધાર્મિક નહીં પરંતુ વંશીય લઘુમતી ગણવા અભિયાન
બ્રિટિશ શીખ સંગઠનો અને સાંસદ પ્રીત કૌર ગિલ બ્રિટનમાં વસતા શીખોને વસતી ગણતરીમાં ધાર્મિક નહીં પરંતુ વંશીય લઘુમતી સમુદાય તરીકે ગણવા અભિયાન ચલાવી રહ્યાં છે. સ્ટાર્મર સરકાર આ અભિયાનને સમર્થન આપશે. સરકારી વિભાગો હાલમાં શીખ અને યહૂદીઓનો વંશીય ડેટા એકઠો કરતા નથી પરંતુ ક્યારેક ધાર્મિક ડેટા એકત્ર કરાય છે.
તાજેતરમાં જ સરકારની સ્ટેટિસ્ટિકલ સર્વિસે તેના એથનિસિટી હાર્મોનાઇઝ્ડ સ્ટાન્ડર્ડમાં વધારાના વંશીય સમુદાયો સામેલ કરવા માટેના જનમતની પ્રક્રિયા પૂરી કરી છે. જેનો ઉપયોગ આગામી વસતી ગણતરીમાં કરાશે.
પ્રીત કૌર ગિલ દ્વારા ગયા સપ્તાહમાં વેસ્ટમિન્સ્ટર હોલ ખાતે એક ચર્ચાનું આયોજન કરાયું હતું. જેમાં કેબિનેટ ઓફિસ મિનિસ્ટર સતવિર કૌરે જણાવ્યું હતું કે, હું સ્પષ્ટ કરવા માગુ છું કે ઓએનએસ, જીએસએસ અને સરકાર શીખ ઓળખ અને યહૂદી ઓળખને વંશીય તેમજ ધાર્મિક ઓળખ તરીકે માન્યતા આપે છે. ઇક્વાલિટી એક્ટ અંતર્ગત શીખ અને યહૂદી વંશીય સમુદાયો હોવાની સાથે સાથે ધાર્મિક સમુદાયો પણ છે.


