લંડનઃ મુસ્લિમ વિરોધી નફરત (ઇસ્લામોફોબિયા)ની વ્યાખ્યા કરવા સરકારે રમઝાન માસના પ્રથમ દિવસે વર્કિંગ ગ્રુપની રચના કરી હતી. આ ગ્રુપ ઇસ્લામોફોબિયાની વ્યાખ્યા નક્કી કરવા સાથે મુસ્લિમ વિરોધી નફરતના અસ્વીકાર્ય બનાવો અટકાવવાનું કામ પણ કરશે. આ ગ્રુપ સરકારને મુસ્લિમો વિરુદ્ધ નફરત, ભેદભાવ અને હેટ ક્રાઇમને સારી રીતે સમજવા માટે સરકારને સલાહ આપશે. આ ગ્રુપનું નેતૃત્વ પૂર્વ કન્ઝર્વેટિવ એટર્ની જનરલ ડોમિનિક ગ્રીવને સોંપાયું છે.
ઇંગ્લેન્ડ અને વેલ્સમાં મુસ્લિમ વિરોધી હેટ ક્રાઇમની ઘટનાઓ રેકોર્ડ સપાટી પર પહોંચી છે. આ ગ્રુપ સરકારને ધાર્મિક આધારે થતા હેટ ક્રાઇમ અટકાવવામાં મદદ કરશે. ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર એન્જેલા રેયનરે જણાવ્યું હતું કે, મુસ્લિમ વિરોધી હેટ ક્રાઇમમાં વધારો સ્વીકાર્ય નથી અને તેને આપણા સમાજમાં કોઇ સ્થાન નથી. તેથી અમે ઇસ્લામોફોબિયાની વ્યાખ્યા કરવા પ્રતિબદ્ધ છીએ.
આ ગ્રુપની રચના થઇ તે પહેલાં ઘણા હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ કરાયો હતો. હિન્દુ સંગઠનોએ માગ કરી હતી કે ફક્ત મુસ્લિમ વિરોધી નફરત જ નહીં પરંતુ હિન્દુ સહિતના કોઇપણ ધર્મ વિરોધી નફરતને અટકાવવાના પગલાં લેવાં જોઇએ. તેમણે જણાવ્યું હતું કે, આ પ્રકારનું ગ્રુપ ફક્ત એક ધર્મ આધારિત નહીં પરંતુ તમામ ધર્મોને ધ્યાનમાં રાખીને કામ કરે તેવું હોવું જોઇએ.
આ ગ્રુપની રચના એવા સમયે કરાઇ છે જ્યારે અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ જે ડી વાન્સ બ્રિટન વાણી સ્વતંત્રતાના મામલે પીછેહઠ કરી રહ્યો હોવાના આરોપ મૂકી રહ્યાં છે. કેટલાંક એવી પણ ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે કે ઇસ્લામોફોબિયાનો ઉપયોદ ઇસ્લામની ટીકા અટકાવવા માટે થશે. ટોરી નેતા કેમી બેડનોક સહિતના ટીકાકારો કહે છે કે આ પ્રકારની વ્યાખ્યા ઇસ્લામની કાયદેસરની ટીકાને પણ અટકાવશે.


