લંડન,નવી દિલ્હીઃ ભારતમાં ૧.૧૭ લાખ પ્રવાસીએ આ વર્ષના ફેબ્રુઆરીમાં ઓનલાઈન ઈ-વિઝા મારફત પ્રવેશ મેળવ્યો હતો, જે ગયા વર્ષના ફેબ્રુઆરી મહિનામાં ૨૪,૯૮૫ લોકોના આગમનની સરખામણીએ ૩૬૯.૧ ટકાની વૃદ્ધિ સૂચવે છે. ઈ-ટુરિસ્ટ વિઝા સુવિધા મેળવનારા દેશોમાં યુકેનું સ્થાન મોખરે છે, જે પછી યુએસએ અને ફ્રાન્સનો ક્રમ આવે છે. ભારતીય પ્રવાસન મંત્રાલયની યાદી અનુસાર આ વર્ષની ૨૬ ફેબ્રુઆરીથી વધુ ૩૭ દેશોના નાગરિકો માટે ઈ-ટુરિસ્ટ વિઝા સુવિધા પ્રાપ્ય બનાવાઈ છે. આ સાથે આવી સુવિધા મેળવનારા દેશોની કુલ સંખ્યા ૧૫૦ થાય છે.
ફેબ્રુઆરી મહિનામાં ઈ-ટુરિસ્ટ વિઝા સુવિધા મેળવનારા દેશોની યાદીમાં ૨૭.૮૬ ટકા પ્રવાસી સાથે યુકે મોખરે રહ્યું છે. આ પછીના ક્રમે યુએસ (૧૩.૮૫ ટકા), ફ્રાન્સ (૮.૦૮ ટકા), રશિયા (૬.૨૧ ટકા), જર્મની (૪.૯૨ ટકા) અને ચીન (૪.૯૧ ટકા) આવે છે. કેનેડાનો હિસ્સો ૪.૨૧ ટકા હતો, જ્યારે ઓસ્ટ્રેલિયા, કોરિયા અને યુક્રેનનો હિસ્સો અનુક્રમે ૩.૬૪ ટકા, ૨.૧૫ ટકા અને ૨ ટકાનો રહ્યો હતો.