ઈંગ્લિશ યુનિવર્સિટીઓને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ રેન્કિંગ અપાશે

Saturday 01st October 2016 06:52 EDT
 
 

લંડનઃ સરકારે શિક્ષણની ગુણવત્તાને નજરમાં રાખી ઈંગ્લિશ યુનિવર્સિટીઓને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ વર્ગમાં વહેંચતી નવી યાદી તૈયાર કરવા નિર્ણય લીધો છે. નવા રેન્કિંગ આગામી વર્ષના મધ્યથી અમલી બનશે. જોકે, બ્રોન્ઝ મેડલની પણ કિંમત હોય છે પરંતુ યુનિવર્સિટીની બાબતમાં બેન્ચમાર્ક સ્ટાન્ડર્ડથી નોંધપાત્ર ઉતરતી ગુણવત્તા ધરાવનારને બ્રોન્ઝ રેન્કિંગ અપાશે. આ રેન્કિંગ યુનિવર્સિટીઓ માટે ટ્યુશન ફી વધારવાનો આધાર બની શકશે.

સરકારના ટીચિંગ એક્સેલન્સ ફ્રેમવર્ક (Tef)ના સંચાલનની જવાબદારી ધરાવતા ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશને જણાવ્યું છે કે આગામી ઓટમમાં યુનિવર્સિટીઓમાં અરજી કરતા વિદ્યાર્થીઓ માટે નવા રેટિંગ્સ મળી શકશે. ૨૦૧૮થી કઈ યુનિવર્સિટીઓને ફૂગાવાના દર અનુસાર તેમની ટ્યુશન ફી વધારવાની પરવાનગી અપાશે તેનો નિર્ણય આ રેટિંગ્સથી થશે. Tefના પ્રથમ તબક્કામાં યુનિવર્સિટીઓને આગામી વર્ષે ફી વધારવા દેવાશે અને તમામ ભાગીદાર યુનિવર્સિટીઓ તે પછીના વર્ષે પણ ફી વધારી શકાશે.

ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશને જાહેર કર્યું છે કે સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડની યુનિવર્સિટીઓ પણ Tefમાં આવી રેટિંગ્સ મેળવી શકશે. જોકે, રેટિંગ્સથી ઈંગ્લેન્ડની યુનિવર્સિટીઓને જ ભંડોળને અસર થશે. મૂલ્યાંકનકારોની પેનલ દ્વારા ડ્રોપઆઉટ દર, સ્ટુડન્ટ્‘સ સેટિસ્ફેક્શન સર્વેના પરિણામો અને હાઈ-સ્કિલ્ડ જોબ્સમાં જનારા વિદ્યાર્થીઓના પ્રમાણ સાથે ગ્રેજ્યુએટ એમ્પ્લોયમેન્ટ દર સહિતના આંકડા પર આધારિત અપાનારા રેન્કિંગ્સ ત્રણ વર્ષ સુધી રહેશે. જોકે, કેટલાક ટીકાકારોએ જણાવ્યું છે કે આમાંથી કોઈ નિર્દેશાંક શિક્ષણની ગુણવત્તા પ્રત્યક્ષપણે દર્શાવતા નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter