લંડનઃ વર્ષ ૨૦૧૫માં ઈંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટ આપનારા આશરે ૩૪,૦૦૦ વિદ્યાર્થી પર છેતરપિંડીનો આક્ષેપ લગાવી નિર્ણયને પડકારવાનો અધિકાર છીનવવા સાથે તેમનો અભ્યાસ બંધ કરાવી તેમને યુકેમાં રહેવાનો અધિકાર ન હોવાનું જણાવી દેવાયું હતું. હવે હોમ ઓફિસના અધિકારીઓએ સ્વીકાર્યું છે કે ઈંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટમાં છેતરપિંડીનો આક્ષેપ લગાવાયેલાં વિદેશી વિદ્યાર્થીઓના સંદર્ભે નોંધપાત્ર ભૂલો અને ખોટાં નિર્ણયો લેવાયાં હતાં. વિઝા અરજી પ્રક્રિયાના ભાગરુપે વિદ્યાર્થીઓએ અંગ્રેજી ભાષાની પરીક્ષા આપવાની હોય છે તેમાં હોમ ઓફિસ દ્વારા શા માટે હજારો ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને પરીક્ષામાં છેતરપિંડીના આક્ષેપો સાથે અટકમાં લેવાનો નિર્ણય કરાયો તેની તપાસના સત્તાવાર શ્રેણીબદ્ધ પ્રયાસોમાંની એક કોમન્સની પબ્લિક એકાઉન્ટ્સ કમિટી દ્વારા તાજેતરની સુનાવણી છે.
અંગ્રેજી ભાષાની પરીક્ષામાં છેતરપિંડીના આક્ષેપો પછી આશરે ૨૫૦૦ વિદ્યાર્થીને યુકેમાંથી બળજબરીથી દૂર કરાયાં હતા. જો યુકેમાં રહેશો તો અટકાયત અને દેશનિકાલ કરાશે તેમ જણાવાયાં પછી વધુ ૭૨૦૦ વિદ્યાર્થી દેશ છોડી ગયા હતા. ઘણાં વિદ્યાર્થીએ કોર્ટમાં પોતાને નિર્દોષ સાબિત કરવા પ્રયાસ કર્યો હતો. ૧૨,૫૦૦ અપીલની સુનાવણી થઈ છે અને અત્યાર સુધી ૩૬૦૦ લોકો પોતાનો કેસ જીતી ચૂક્યાં છે અને સેંકડો લોકો હજુ કાનૂની સંઘર્ષ કરી રહ્યાં છે. યુકેમાં કાયદેસર આવ્યાં હોવાં છતાં, કેટલાંક લોકોને રીમૂવલ સેન્ટરમાં અટકમાં રખાયાં હતાં, તેમણે નોકરીઓ ગુમાવી અને ઘરબારવિહોણાં થઈ ગયાં હતાં. ઘરઆંગણે પોતાની પ્રતિષ્ઠા જતી રહેશે અને નોકરીઓ પર રાખવામાં નહિ આવે તેવા ડરથી ઘણાં લોકોએ અહીં રહીને પોતાની નિર્દોષતા સાબિત કરવાનો પ્રયાસ કર્યો હતો.
હોમ ઓફિસના પરમેનન્ટ સેક્રેટરી સર ફિલિપ રુટનામે હવે ચિંતા સાથે સ્વીકાર્યું છે કે ઓપરેશનમાં ભૂલથી પકડાયેલાં સેંકડો અને કદાચ વધુ નિર્દોષ વ્યક્તિ પોતાની નિર્દોષતા સ્થાપવા મથી રહ્યાં છે. તેમણે પબ્લિક એકાઉન્ટ્સ કમિટી સમક્ષ જણાવ્યું હતું કે હોમ ઓફિસ આ મુદ્દા પર ગંભીર ધ્યાન કેન્દ્રિત કરી રહેલ છે અને હોમ સેક્રેટરી સાજિદ જાવિદ આ મુદ્દે નિવેદન જારી કરે તેવી ધારણા છે. તેમણે બે મહિના અગાઉ આની જાહેરાત કરી હતી.
લોકો પર ખોટી રીતે આક્ષેપ લાગી શકે તેવા જોખમથી ડિપાર્ટમેન્ટ માહિતગાર હતું તેવો પ્રશ્ન લેબર સાંસદ શબાના મહમૂદે ઉઠાવ્યો હતો. તેના ઉત્તરમાં સર ફિલિપે કહ્યું હતું કે,‘કેટલાંક નિર્દોષ લોકો આમાં ઝડપાઈ જશે તે જોખમ હોવાનું અમે જાણ્યું હતું પરંતુ, સંખ્યાકીય દૃષ્ટિએ તે જોખમ ઘણું નાનું હતું.’ તેમણે એવો દાવો પણ કર્યો હતો કે આક્ષેપ કરાયેલા લોકો ડિપાર્ટમેન્ટના નિર્ણયને કોર્ટ્સમાં પડકારી શકે તેમ હતા અને ‘વ્યક્તિએ જ પોતાની નિર્દોષતા પૂરવાર કરવાની રહે’ છે.
આ દાવા સંદર્ભે મિસ મહમૂદે પ્રશ્ન કર્યો હતો કે,‘કોર્ટમાં જવા પાછળ કેટલો ખર્ચ થાય છે તેની તમને જાણ છે? આ બધાં બિલિયોનેર્સ કે મલ્ટિમિલિયોનેર્સના સંતાનો નથી. તેઓ આ દેશમાં અભ્યાસ કરવા આવે છે અને આપણી કોલેજો અને યુનિવર્સિટીઓની તિજોરીઓ ભરે છે.’
વર્ષ ૨૦૧૧થી ૨૦૧૪ના સમયગાળામાં હોમ ઓફિસ દ્વારા માન્ય ઈંગ્લિશ ફોર ઈન્ટરનેશનલ કોમ્યુનિકેશન (Toeic) ની પરીક્ષા આપનારા વિશાળ બહુમતી વિદ્યાર્થીઓએ છેતરપિંડી કરી હોવાની ધારણા બાંધી લેતાં નિર્ણયમાં હોમ ઓફિસ બેદરકાર હતી કે કેમ તેની તપાસ આ કમિટી કરી રહી છે. સરકાર દ્વારા વિદ્યાર્થીઓ વિરુદ્ધ લેવાયેલાં પગલાંની કાર્યવાહી મુદ્દે ચિંતા દર્શાવતા કમિટીએ જણાવ્યું છે કે, ‘કેટલાંક અસરગ્રસ્તોને છેતરપિંડી કરનારા તરીકે જણાવાયાં, તેમણે અભ્યાસક્રમની ફી ગુમાવી તેમજ છેતરપિંડીના અપરાધી ન હોવાં છતાં અથવા તેમને પોતાના પર લાગેલાં કલંકને દૂર કરવાની પૂરતી તક નહિ આપીને યુકેમાંથી દેશનિકાલ કરી દેવાયાં છે.’
બીબીસી દ્વારા ૨૦૧૪માં કરાયેલા અંડરકવર ફિલ્મિંગ થકી વિઝાની મુદત લંબાવવા આવશ્યક પરીક્ષા ઓફર કરતા ૯૦ સરકાર માન્ય કેન્દ્રોમાંથી બે કેન્દ્રમાં મોટા પાયે છેતરપિંડી ચાલતી હોવાનું બહાર આવ્યું હતું. આના પગલે, હોમ ઓફિસે આ પરીક્ષાઓ લેતી યુએસસ્થિત સંસ્થા એજ્યુકેશનલ ટેસ્ટિંગ સર્વિસ (ETS)ને ૨૦૧૧થી ૨૦૧૪ના સમયગાળામાં લેવાયેલી ૫૮,૪૫૯ પરીક્ષા માન્ય છે કે કેમ તેની તપાસ કરવા જણાવ્યું હતું. યુએસની કંપનીએ પોતાની રીતે ચકાસણી કર્યાં પછી નિર્ણય આપ્યો હતો કે યુકેની તમામ પરીક્ષામાંથી ૯૭ ટકા પરીક્ષા કોઈ પ્રકારે ‘શંકાસ્પદ’ છે. તે સંસ્થાએ ૫૮ ટકા પરીક્ષાને ‘અમાન્ય’ અને ૩૯ ટકા પરીક્ષાને ‘સંદેહાત્મક’ તરીકે વર્ગીકૃત કરી હતી. આના પરિણામે, હોમ ઓફિસે કેટલાક ટેસ્ટ સેન્ટરના લાયસન્સ સસ્પેન્ડ કરી દીધાં હતાં અને છેતરપિંડીનો આક્ષેપ ધરાવતાં લોકોનાં વિઝા રદ કરી દીધાં હતાં.


