લંડનઃ નેશનલ ગ્રીડના બે જનરેટર બંધ થઈ જતાં નવ ઓગસ્ટ શુક્રવારે ઈંગ્લેન્ડ અને વેલ્સ સહિત દેશના મોટા ભાગના વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો હતો. હોસ્પિટલ્સ, એરપોર્ટ્સ, રેલ અને રોડ નેટવર્ક્સ તેમજ ટાઉન્સ અને શહેરોમાં વીજળી બંધ થઈ જવાથી નવ કલાક સુધી કામકાજ ખોરવાઈ અરાજકતા વ્યાપી ગઈ હતી. નેશનલ ગ્રીડ દ્વારા જણાવાયું હતું કે પરિસ્થિતિ તેમના કાબુ બહાર હતી. સરકારે દાયકાના સૌથી મોટા પાવર કટ સંબંધે ઈન્ક્વાયરીના આદેશ જારી કર્યા છે.
લંડન, સાઉથ ઈસ્ટ, મિડલેન્ડ્સ, સાઉથ વેસ્ટ, યોર્કશાયર, નોર્થ ઈસ્ટ, કોર્નવોલ અને વેલ્સમાં શુક્રવારે સાંજે પાંચ વાગ્યા પછી બે કલાક સુધી અંધારપટ છવાઈ જતાં ઓછામાં ઓછાં એક મિલિયન લોકોને તેની વ્યાપક અસર અનુભવવી પડી હતી. રેલવે પ્રવાસીઓએ વ્યવહાર ખોરવાઈ જવાની અને વિલંબની સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. યુકે પાવર નેટવર્ક્સના જણાવ્યા અનુસાર લંડન અને સાઉથ ઈસ્ટમાં આશરે ૩૦૦,૦૦૦ ઘરને વીજળી બંધ થવાની અસર થઈ હતી. વેસ્ટર્ન પાવર ડિસ્ટ્રિબ્યુશન મુજબ મિડલેન્ડ્સ, સાઉથ વેસ્ટ અને વેલ્સમાં ૫૦૦,૦૦૦ લોકોને અસર થઈ હતી. યોર્કશાયર અને નોર્થ ઈસ્ટને સેવા આપતી નોર્ધર્ન પાવરગ્રીડે જણાવ્યું હતું કે ૧૧૦,૦૦૦ લોકો તેમજ ઈંગ્લેન્ડના નોર્થ વેસ્ટમાં ૨૬,૦૦૦ લોકો પાવર વિના રહ્યાં હતાં.
બીબીસીના જણાવ્યા અનુસાર કેમ્બ્રિજશાયરમાં પરંપરાગત ગેસ અને સ્ટીમ સંચાલિત પાવર સ્ટેશન અને નોર્થ સી ખાતે વિશાળ વિન્ડ ટર્બાઈન ફાર્મના મથકો કોઈ કારણસર નિષ્ફળ જવાથી આ હાલત સર્જાઈ હતી. યોર્કશાયરમાં બ્રિટનના સૌથી મોટા એકમાત્ર પાવર સ્ટેશનમાં ક્ષમતાની સમસ્યાએ પણ ભાગ ભજવ્યો હોવાની શક્યતા છે.

