લંડનઃ ચાલુ વર્ષના માર્ચ સુધીના ૧૨ મહિનામાં નાઈફ ક્રાઈમના ૪૬,૨૬૫ ગુના નોંધાવા સાથે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં નાઈફ ક્રાઈમ નવા વિક્રમી સ્તરે પહોંચ્યો હોવાનું ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ (ONS) દ્વારા જણાવાયું છે. આ સંખ્યા ગયા વર્ષ કરતાં ૬ ટકા વધુ છે જેમાં, ગ્રેટર માન્ચેસ્ટર પોલીસના આંકડાનો સમાવેશ કરાયો નથી. લંડનમાં નાઈફ ક્રાઈમના ગુનામાં ૭ ટકાનો વધારો નોંધાયો હતો.
જોકે, ONS અનુસાર એકંદરે ગુનાખોરી ૯ ટકા ઘટી હતી. ૬૩૮ મૃત્યુ સાથે હત્યા અને માનવવધના કેસમાં ભારે વધારો નોંધાયો હતો જેમાં, ગયા ઓક્ટોબરમાં એસેક્સમાં એક લોરીમાંથી મળેલા ૩૯ મૃતદેહનો સમાવેશ થાય છે. એસેક્સના મૃતકોને બાદ કરતાં માનવહત્યામાં ૩ ટકાનો વધારો થયો હતો. કુલ હત્યાઓ પૈકી ૨૫૬ હત્યા નાઈફ અથવા તીક્ષ્ણ વસ્તુઓ દ્વારા કરાઈ હતી. એક વર્ષ અગાઉ આ સંખ્યા ૨૫૦ હતી.
એસિડ જેવા જ્વલનશીલ પદાર્થોને સાંકળતા ૬૧૯ ગુના નોંધાયા હતા. ONS દ્વારા જાહેર ગુનાખોરીના આંકડા વિરોધાભાસી ચિત્ર રજૂ કરે છે. સર્વેનો અંદાજ ગુનાખોરીમાં ઘટાડો સૂચવે છે જ્યારે પોલીસના આંકડા વધારો દર્શાવે છે. હકીકતમાં તેઓ અલગ બાબતોનું મૂલ્યાંકન કરે છે. સર્વે કેટલાં લોકોએ ગુનાનો અનુભવ કર્યો તે સૂચવે છે, જ્યારે પોલીસની વિગતો ગુનાની જાણકારી અને નોંધણી દર્શાવે છે.
ONS ક્રાઈમ સર્વેના ડેટામાં પહેલી વખત ગુનાનો ભોગ બનનારની જાતિની નોંધ લેવાઈ છે. જન્મ વખતે નોંધથી અલગ જાતિ હોય તેમની ગુનાનો ભોગ બનવાની શક્યતા બમણી (૨૮ ટકા) હતી. આવી શક્યતા મિશ્ર વંશીય પશ્ચાદ્ભૂના લોકો માટે ૨૦ ટકા, એશિયન પશ્ચાદભૂ માટે ૧૫ ટકા અને શ્વેત લોકો માટે ૧૩ ટકા હતી. સામાન્ય લોકોના ગુનાનો ભોગ બનવાની શક્યતા ૧૪ ટકા જ્યારે, સમલિંગી માટે ૨૧ ટકા હતી.