લંડનઃ એક તરફ હીટવેવ અને બીજી તરફ દુકાળથી ઘેરાયેલા ઈંગ્લેન્ડના કેટલાક વિસ્તારોમાં દુકાળની સત્તાવાર જાહેરાત કરી દેવાઈ છે. ગભરાટપૂર્ણ ખરીદીને ટાળવા માટે સ્ટોર્સ દ્વારા બોટલ્ડ પાણીનું રેશનિંગ પણ ચાલુ કરી દેવાયું છે. વોટર કંપનીઓએ પાણીની પાઈપલાઈન્સમાં થતા લીકેજને સમારકામ કરાવવાની ફરજ પડી છે તેમજ વધુ લાખો પરિવારો પર હોઝપાઈપના ઉપયોગ પર પ્રતિબંધ લદાયો છે. લોકોને પાણીનો વપરાશ ઓછો કરવાની સલાહ અપાઈ છે. ઈંગ્લેન્ડના કેટલાક વિસ્તારોમાં જુલાઈ મહિનામાં વરસાદ ન થવાથી ઘણા જળાશયોમાં પાણીનું પ્રમાણ 30 વર્ષમાં પહેલી વખત સૌથી નીચા સ્તરે પહોંચ્યું હતું.
એન્વિરોન્મેન્ટ એજન્સીએ જાહેર કર્યું હતું કે તેના 14માંથી 8 વિસ્તારો દુકાળ અનુભવી રહ્યા છે. આ વિસ્તારોમાં ડેવોન અને કોર્નવોલ, સોલેન્ટ અને સાઉથ ડાઉન્સ, કેન્ટ અને સાઉથ લંડન, હર્ટ્સ અને નોર્થ લંડન, ઈસ્ટ એંગ્લીઆ, થેમ્સ, લિંકનશાયર અને નોર્ધમ્પ્ટનશાયર તેમજ ઈસ્ટ મિડલેન્ડ્સનિો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય દુકાળ સમિતિ, પર્યાવરણ એજન્સીઓ, નિષ્ણાતો, પાણી પૂરવઠા કંપનીઓ સાથે વાતચીતના પગલે સરકારે દૂકાળની સત્તાવાર જાહેરાત કરવાથી કમર્શિયલ હેતુથી પાણીનો વપરાશ ઓછો થઈ જશે. ખેતી અને પશુપાલનને પણ પાણીની ગંભીર અછતનો સામનો કરવો પડે એવી દહેશત છે. સમગ્ર બ્રિટનમાં હીટવેવનો બીજો રાઉન્ડ શરૂ થઈ જતાં જનજીવન બેહાલ થયું છે. લંડનની થેમ્સ નદીનો પાણીનો જથ્થો સૂકાવા લાગ્યો છે. ૧૯૩૫ પછી પહેલી વખત બ્રિટનમાં જુલાઈમાં માત્ર ૩૫ ટકા જ વરસાદ થયો હતો. ઓગસ્ટમાં પણ વરસાદનું પ્રમાણે સાવ નહીંવત નોંધાયું છે.
વરસાદના અભાવે મુશ્કેલીઓ વધશે
ઈંગ્લેન્ડના આઠ વિસ્તારોમાં દુકાળની સત્તાવાર જાહેરાતથી પાણીના ઉપયોગ પર કોઈ કાનૂની મર્યાદા આવતી નથી પરંતુ, વોટર કંપનીઓ વધુ પ્રમાણમાં હોઝપાઈપ અને સ્પ્રિંન્કલર્સના ઉપયોગ પર પ્રતિબંધ લાદે તેનું દબાણ વધી જાય છે. આશરે 17 મિલિયન લોકો માટે હોઝપાઈપનો પ્રતિબંધ લાગી ગયો છે અને વધુ 15 મિલિયન લોકો તેમાં ઉમેરાઈ શકે છે. પાણીના નળથી બકેટ્સ ભરીને કાર સહિતના વાહનો ધોવા પર પણ પ્રતિબંધ લાગી શકે છે. જો આગામી સપ્તાહોમાં વરસાદ નહિ આવે તો લાખો લોકો પર કોઈ પ્રકારના વાહનો, મકાનો અને બારીબારણાની સફાઈ કરવા પર પ્રતિબંધ આવી જશે. પરિવારો માટે પાણીનું રેશનિંગ કરાય તે પણ શક્ય છે. બ્રિટિશરોને ટુંકા શાવર લેવા, કેટલમાં ઓછું પાણી મૂકવા, વોશિંગ મશીન્સમાં ધોવાના વસ્ત્રોનો જથ્થો ઓછો રાખવા અને દિવસમાં એક જ વખત ડિશવોશરના ઉપયોગની સલાહ આપી દેવાયેલી છે.
નદી-તળાવોમાં પાણીનો જથ્થો ઘટ્યો
અગાઉ બ્રિટનમાં ૨૦૧૮માં કેટલાક ભાગોમાં દુકાળ જાહેર કરાયો હતો. એ પહેલાં ૨૦૧૧માં દૂકાળની સ્થિતિ જાહેર કરવી પડી હતી. જોકે, આ વખતની સ્થિતિ એ બંને વર્ષો કરતાં ઘણી અલગ છે. ભારે તાપમાનના કારણે નદી-તળાવોમાં પાણીનો જથ્થો સતત ઓછો થવા લાગ્યો છે. થેમ્સ નદીનું જળસ્તર નીચું ગયું છે. કેટલાક એક્સપર્ટ્સ તો ત્યાં સુધી કહે છે કે દુકાળની સ્થિતિને પહોંચી વળવા માટે સરકાર અને એજન્સીઓ બિલકુલ તૈયાર જણાતી ન હોવાથી લોકોની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.
હવામાન વિભાગે આખા મહિના દરમિયાન રેડ એલર્ટ જારી કરવાની ફરજ પડી હતી. અગાઉ ઓગસ્ટ માસમાં રેડ એલર્ટ જાહેર કરવાનું ભાગ્યે જ બનતું હતું. જુલાઈમાં ભારે હીટવેવના કારણે વીજળીની અછત પણ સર્જાઈ હતી. ઓગસ્ટમાં કેટલાય ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીની અછત સર્જાઈ રહી છે.
દુકાળ જાહેર કરાયેલા વિસ્તારો
• ડેવોન અને કોર્નવોલ • સોલેન્ટ અને સાઉથ ડાઉન્સ • કેન્ટ અને સાઉથ લંડન • હર્ટ્સ અને નોર્થ લંડન
• ઈસ્ટ એંગ્લીઆ • થેમ્સ • લિંકનશાયર અને નોર્ધમ્પ્ટનશાયર • ઈસ્ટ મિડલેન્ડ્સ


