લંડનઃ સ્કોટલેન્ડ અને નોર્ધર્ન આયર્લેન્ડ કોવિડ કટોકટીની ઝાળ અનુભવી રહ્યા છે ત્યારે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં કોરોના વાઈરસની ચોથી લહેર આવવા વિશે ચેતવણી અપાઈ રહી છે. જો આ બે દેશ સ્કોટલેન્ડની ટ્રેજેક્ટરીને અનુસરશે તો કેસીસમાં વિક્રમી ઉછાળો આવી શકે છે.
સ્કોટલેન્ડમાં ૧૧ ઓગસ્ટથી શાળાઓ શરૂ કરાઈ ત્યારે પ્રતિ દિવસ ૧૪૦૦ કેસીસ જોવા મળ્યા હતા અને ૨૬ ઓગસ્ટે તે વધીને સૌથી વધુ પ્રતિ દિવસ સરેરાશ ૫,૦૦૦ કેસીસ નોંધાયા હતા. સરકારના કોરોના વાઈરસ ડેશબોર્ડના નકશા મુજબ સ્કોટલેન્ડના ડમ્ફ્રીઝ, અને ગેલોવે ગ્લાસગો સિવાય મોટા ભાગના વિસ્તારોમાં પ્રતિ ૧૦૦,૦૦૦ લોકોએ ૨૦૦ કેસ નોંધાયા હતા. પરંતુ, હવે લગભગ સમગ્ર દેશમાં પ્રતિ ૧૦૦,૦૦૦ લોકોએ ૪૦૦થી ૮૦૦ કેસ જોવા મળે છે.
બીજી તરફ, ઈંગ્લેન્ડમાં ગત સપ્તાહોમાં દૈનિક આશરે ૨૫,૦૦૦ના ધોરણે કોવિડ કેસીસ પ્રમાણમાં સ્થિર રહ્યા છે. વેલ્સમાં ૭ ઓગસ્ટે તમામ નિયંત્રણો હટાવી લેવાયાં પછી ત્યાં કેસીસ વધી રહ્યા છે. ઈંગ્લેન્ડ માટે આ ચેતવણી બની રહેવી જોઈએ જ્યાં, સ્થિતિ ઘણી ખરાબ થઈ શકે છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં હોસ્પિટલાઈઝેશન્સ હાલ સ્થિર છે અને કોવિડ કેસ ગંભીરપણે વધી રહ્યા છે.
ક્વીન મેરી યુનિવર્સિટી ઓફ લંડનના એપિડમીઓલોજિસ્ટ ડો. દીપ્તિ ગુરદાસાનીનાં જણાવ્યા મુજબ સ્કોટલેન્ડની માફક ઈંગ્લેન્ડમાં નજીકના ભવિષ્યમાં હાલત ખરાબ થઈ શકે છે. ઈંગ્લેન્ડ અને વેલ્સની સરખામણી સ્કોટલેન્ડ અને નોર્ધર્ન આયર્લેન્ડના શાળાઓમાં લેવાયેલાં પગલાં વધુ ચુસ્ત છે, શિક્ષકોએ વિદ્યાર્થીઓથી સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું રહે છે અને આખો દિવસ માસ્ક પહેરવાના હોય છે. ડેટા અનુસાર ઈંગ્લેન્ડમાં શાળાનાં બાળકોમાં સંક્રમણનું પ્રમાણ ચિંતાજનક રીતે ઊંચું છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના સર્વે મુજબ ઓગસ્ટ ૨૦ સુધીના સપ્તાહમાં શાળાના ધોરણ ૧૨થી ૨૪ વર્ષની વય સુધીના ૩૦ લોકોમાંથી એકને કોવિડ થયો હતો જે કોઈ પણ વયજૂથ માટે સૌથી ઊંચો પોઝિટિવિટી રેટ છે.


