લંડનઃ દર્દીઓ સાથે રુબરુ મુલાકાત વધારવાના સરકારના અભિયાનના પગલે વિરોધ કરી રહેલા ઈંગ્લેન્ડના જનરલ પ્રેક્ટિશનર્સે (GPs) મર્યાદિત હડતાળનું શસ્ત્ર ઉગામવા નિર્ણય લીધો છે. બ્રિટિશ મેડિકલ એસોસિયેશન (BMA)ના મતદાનમાં ઈન્ડસ્ટ્રિયલ એક્શનની તરફેણ કરાઈ હતી. થાકેલા અને નિરાશ ફેમિલી ડોક્ટર્સ પોતાનો રોષ દર્શાવવા કેટલીક સામાન્ય ફરજો બજાવવાનો પણ ઈનકાર કરી શકે છે.
પાંચમાંથી ચાર (૮૦ ટકા) GPs દ્વારા તેંઓ કઈ રીતે એપોઈન્ટમેન્ટ્સ કામગીરી બજાવે છે તેની માહિતી નહિ આપવાને ટેકો આપ્યો હતો જેથી ઓછાં પેશન્ટ્સને રુબરુ જોનારી સર્જરીના નામ જાહેર કરવાની સરકારની યોજના પર પાણી ફરી વળે. ૮૪ ટકા ડોક્ટર્સે તબીબી કારણોસર વેક્સિન નહિ લેનારા લોકો માટે આવશ્યક કોવિડ-૧૯ એક્ઝેમ્પ્શન સર્ટિફિકેટ્સ ઈસ્યુ કરવા તેમજ સ્ટાફ માટે વેક્સિનેશન ફરજિયાત હોય તેવા કેર હોમ્સમાં કામ કરવાનું નકારવાની ઈચ્છા દર્શાવી હતી.
BMAની GP કમિટીના નવા અધ્યક્ષ ડો. ફરાહ જમીલે જણાવ્યું હતું કે સંબંધો તૂટી ગયા છે અને વિશ્વાસભંગ થયો છે. તેમણે ફેમિલી ડોક્ટર્સનો વર્કલોડ ઘટાડવા હેલ્થ સેક્રેટરીને અનુરોધ કર્યો હતો. ઈંગ્લેન્ડમાં ૫,૧૪૪ જીપી સર્જરીઝમાં પાર્ટનર BMA મેમ્બર હોય તેમણે મતદાનમાં ભાગ લેવાનો હોય છે. જોકે, માત્ર ૧,૭૯૮ સર્જરીઝે - ૩૫ ટકાએ મતદાનમાં ભાગ લીધો હતો.


