ઈંગ્લેન્ડના ફાર્મસિસ્ટ્સ કોવિડ લોન્સની માંડવાળી મુદ્દે હડતાલ પાડશે

Friday 19th February 2021 04:22 EST
 
 

લંડનઃ ઈંગ્લેન્ડની ફાર્મસી ઈન્ડસ્ટ્રીના નેશનલ ફાર્મસી એસોસિયેશને ચાન્સેલર રિશિ સુનાકને ૩ માર્ચના બજેટમાં કોરોના મહામારીના ગાળામાં અપાયેલા સપોર્ટ પેકેજના ૩૭૦ મિલિયન પાઉન્ડની પુનઃ ચુકવણી માંડી વાળવા માગણી કરી છે. એસોસિયેશને જણાવ્યું છે કે ઈન્ડસ્ટ્રી વોકઆઉટ્સ યોજવા માગતી નથી પરંતુ, ઘણા સભ્યો ભારે દેવાંના લીધે બંધ પડી જવાનો સામનો કરી રહ્યા છે.

ટ્રેઝરી સરકારી લોન્સના ૩૭૦ મિલિયન પાઉન્ડની પુનઃ ચુકવણી માંડવાળ ન કરે તો ઈંગ્લેન્ડની ફાર્મસી ઈન્ડસ્ટ્રીના સભ્યો સ્ટ્રાઈક કાર્યવાહીનું વિચારી શકે છે. નેશનલ ફાર્મસી એસોસિયેશનના ચેરમેન એન્ડ્રયુ લેને જણાવ્યું હતું કે એસોસિયેશનના ઘણા સભ્યો માટે આ મજબૂરીની હાલત છે તેથી કેટલાક લોકો વિરોધપ્રદર્શનનું વિચારે તો નવાઈ પામવું ન જોઈએ. જોકે, કોઈ પણ તેમના પેશન્ટ્સને સહન કરવું પડે તેમ ઈચ્છે નહિ. આથી, ફાર્માસિસ્ટ હડતાળનું શસ્ત્ર ઉગામે તે છેલ્લી બાબત હોઈ શકે.

કોરોના મહામારી કાળમાં હાઈ સ્ટ્રીટ ફાર્મસીઝ ટેલિફોન કન્સલ્ટેશન્સમાં જોડાયેલી જીપી સર્જરીઝની માફક પ્રાઈમરી કેરના ફ્રન્ટલાઈન પર રહી હતી. કોરોના વાઈરસ વેક્સિનેશન હબ તરીકે કામ કરતી મોટી ફાર્મસીઓએ સપ્તાહમાં ૧૦૦૦ ઈન્જેક્શન્સ ઓફર કરવાની પ્રતિબદ્ધતા પૂર્ણ કરવાની હતી જે નાના પ્રોવાઈડર્સ કરી શક્યા ન હતા. ચાન્સેલર સુનાકની માતા કોમ્યુનિટી ફાર્માસિસ્ટ હોવાથી તેમના હૃદયની નિકટ રહેલી ફાર્મસી ઈન્ડસ્ટ્રીને મહામારી દરમિયાન વધારાના ખર્ચાને પહોંચી વળવા ગયા વર્ષે ૩૭૦ મિલિયન પાઉન્ડની સરકારી લોન્સ ઓફર કરાઈ હતી. હવે આ લોન માંડવાળ કરવા તેઓ માગણી કરે છે. ઈન્ડસ્ટ્રીના આંતરિક સૂત્રોએ જણાવ્યા મુજબ ટ્રેઝરીના ચીફ સેક્રેટરી સ્ટીવ બાર્કલેએ ફાર્મસી અગ્રણીઓ સાથેની મીટિંગમાં સંપૂર્ણ કરજ માંડી વાળવાનો ઈનકાર કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter