લંડનઃ ઈંગ્લેન્ડના ૪૦ ટકા વિસ્તારોમાં ભારતીય કોરોના વેરિએન્ટ B.1.617.2 ફેલાયો છે અને કેન્ટ વેરિએન્ટની નસરખામણીએ આગળ વધી રહ્યો છે. આના પરિણામે ૨૧ જૂનના રોડમેપ અનુસાર આગળ વધી શકાશે કે કેમ તેની ચિંતા સર્જાઈ છે. બ્રિટિશરો કોરોના વેક્સિન લેવામાં હજુ ખચકાટ અનુભવી રહ્યા છે ત્યારે ટોરી સાંસદોએ તો ભારતીય વેરિએન્ટના ઉછાળાને ધ્યાનમાં લીધા વિના અનલોકિંગમાં આગળ વધવા વડા પ્રધાન બોરિસ જ્હોન્સન પર દબાણ વધાર્યું છે. તાજા ડેટા અનુસાર ઈંગ્લેન્ડના ૨૩ વિસ્તારો અને ૧૨૭ એરિયાઝમાં ભારતીય વેરિએન્ટનું જોર છે.
વડા પ્રધાન જ્હોન્સને ૨૧ જૂનના અનલોકિંગ રોડમેપ મુદ્દે વધતા ભયને હળવો બનાવવા પ્રયાસ કર્યો છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે લોકડાઉનમાંથી બહાર નીકળવાનો રોડમેપ યથાવત છે. રોડમેપ બદલવો પડે તેવા નિર્ણાયક પુરાવા હજુ સાંપડ્યા નથી અને થોડા દિવસોમાં પરિસ્થિતિ સ્પષ્ટ થઈ જશે.
કોવિડથી સંક્રમિત લોકોના સેમ્પલ્સના એનાલિસીસ થકી જણાયું છે કે આઠ મે સુધીના સપ્તાહમાં ઈંગ્લેન્ડના ૩૧૪ લોકલ એરિયાઝમાંથી ૧૨૭માં ભારતીય વેરિએન્ટ B.1.617.2 દેખાયો છે. અગાઉના સપ્તાહે સંક્રમિત એરિયાની સંખ્યા ૭૧ની હતી. હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે જણાવ્યું હતું કે ઓછામાં ઓછાં ૮૬ સ્થળોએ પાંચ કે તેથી વધુ કેસ જોવા મળ્યા હતા. માત્ર સાત દિવસમાં કેસની સંખ્યા બમણી થઈ હતી.
સમગ્ર દેશમાં આ વેરિએન્ટના ૨,૩૨૩ કેસ હતા જે ૧૦ દિવસ અગાઉના ૫૨૦ કેસ કરતાં ચાર ગણા છે. હવે આ સ્ટ્રેઈન પાંચ નવા ઈન્ફેક્શનમાંથી ઓછામાં ઓછાં એક કેસમાં જોવા મળે છે. બોલ્ટન, બ્લેકબર્ન વિથ ડાર્વેન, સેફ્ટોન અને બેડફોર્ડ તેમજ એસેક્સમાં ચેમ્સફોર્ડ અને લંડનમાં ક્રોયડનમાં ૧૦માંથી આઠ કેસ ભારતીય વેરિએન્ટના છે.